<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

કચ્‍છમાં ૭૬ બેંક ખાતાઓમાં ૩૨.૬૨ કરોડની દેશવ્‍યાપી ઓન લાઇન ઠગાઇનું નેટવર્ક ઝડપ્‍યું

ભાડે રખાયેલા બેંક ખાતાઓમાં ૧૧થી વધુ રાજ્‍યોમાંથી કરાયેલ ઓનલાઇન ઠગાઇના નાણા : જમા કરાવાયા, ૫ આરોપી ઝડપાયા, પોલીસની ચેતવણી બેંક ખાતું ભાડે આપનાર પણ ગુનેગાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૮: ઓપરેશન મ્‍યૂલ હન્‍ટ ૨.૦'હેઠળ પૂર્વ કચ્‍છ સાયબર ક્રાઈમ પોલીસે એક મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભાડે રાખેલા ૭૬ મ્‍યૂલ (બેંક) એકાઉન્‍ટ્‍સ દ્વારા આચરાયેલી ઈં ૩૨.૬૨ કરોડની ગેરકાયદેસર હેરફેર ઝડપી પાડી છે અને આ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ કરી છે. દેશ વ્‍યાપી ફેલાયેલા આ કૌભાંડની વિગતો મુજબ છે. ૭૬ જેટલા શંકાસ્‍પદ બેંક ખાતાઓમાંથી કુલ રૂ. ૩૨,૬૨,૦૨,૨૯૫ (આશરે ૩૨.૬૨ કરોડ) ના ટ્રાન્‍ઝેક્‍શન્‍સ મળી આવ્‍યા છે. પૂર્વ કચ્‍છ સાયબર ક્રાઈમ પોલીસે ૫ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. આરોપીઓ પાર્થ ચેતનભાઈ ઝાલા, અશ્વિન ગોવિંદભાઈ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદિશભાઈ વાંજા, વત્‍સલ ઉર્ફે વિશાલ અનીલભાઈ ઠક્કર. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા રૂ. ૪૦,૦૦૦ની કિંમતના ૬ મોબાઈલ ફોન કબજે કર્યા છે. આરોપીઓની મોડસ ઓપરેન્‍ડીમાં ભાડે રાખેલા ખાતામાં નાણાકીય રકમ મેળવતા હતા. આ સાયબર ઠગો પણ સામાન્‍ય કે ગરીબ વર્ગના લોકોના દસ્‍તાવેજો મેળવીને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાઓ ખોલાવતા હતા. આ બેંક એકાઉન્‍ટ્‍સની કીટ અને એક્‍સેસ પોતાના હસ્‍તક રાખી, દેશભરમાં આચરાતી સાયબર ઠગાઈના પૈસા આ ખાતાઓમાં ટ્રાન્‍સફર કરાવતા હતા. આ બદલ ખાતાધારકો અને વચેટિયાઓને આરોપીઓ દ્વારા કમિશન ચૂકવવામાં આવતું હતું. નેશનલ સાયબર ક્રાઈમ રિર્પોટિંગ પોર્ટલ ( NCRP) પર નોંધાયેલી દેશભરની અનેક ફરિયાદોના તાર આ બેંક ખાતાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્‍યું છે. પ્રાથમિક તપાસમાં ભારત સરકારના સમન્‍વય પોર્ટલ હેઠળ ૧૨૭ ફરિયાદો આ બેંક ખાતાઓ સામે નોંધાયેલી છે. જેમાં ૧૧ થી વધુ રાજ્‍યોમાંથી ફરિયાદ નોધાઇ છે.

પૂર્વ કચ્‍છ એસપી સાગર બાગમારે લોકોને અપીલ કરી છે કે કયારેય પણ કમિશન કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, પાસબુક કે ચેકબુક અન્‍ય કોઈ વ્‍યક્‍તિને વાપરવા કે ભાડે આપવા નહીં. સાયબર ગુનાના પૈસા તમારા ખાતામાં જમા થશે તો કાયદાકીય રીતે ખાતાધારક પણ ગુનામાં ભાગીદાર ગણાશે અને જેલના સળિયા પાછળ જવું પડી શકે છે. (તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)

(11:33 AM IST)