<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત: પીંગલેશ્વર દરિયાકાંઠેથી રૂ. 5 કરોડના ચરસના 10 બિનવારસુ પેકેટ મળ્યા

સ્ટેટ IB, SOG, મરીન પોલીસના જોઈન્ટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી; સૌરાષ્ટ્ર-કચ્છ વાયા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર, અગાઉના કેસોમાં આરોપીઓની ભાળ નહીં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : કચ્છમાં ફરી એકવાર ડ્રગ્સનો બિનવારસુ જથ્થો મળી આવતા ચકચાર મચી છે. અબડાસા તાલુકાના પીંગલેશ્વર દરિયા કિનારેથી સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. અને મરીન પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ જોઈન્ટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંદાજિત રૂ. 5 કરોડની કિંમતના ચરસના કુલ 10 પેકેટ મળી આવ્યા છે.

અગાઉ પણ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી બિનવારસુ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી વાયા ગુજરાત થઈને દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

ચિંતાજનક બાબત એ છે કે ભૂતકાળમાં પણ બિનવારસુ ઝડપાયેલા ડ્રગ્સના ગુનામાં આજદિન સુધી આરોપીઓની ભાળ મળી નથી. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના સતત પ્રયાસોથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. પોલીસે જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

(1:29 PM IST)