<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ચોટીલા-આણંદપુર રોડ ઉપર ભયજનક ખાડાઓ અકસ્‍માતને નોતરૂ દેનાર બન્‍યાં

નાયબ કલેક્‍ટર અને ધારાસભ્‍યનો એક્‍શન મોડ, હાઇવેના જવાબદારો ને કડક સૂચના

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૨૭ સબ ડિવિઝન વિસ્‍તારમાં ચોટીલા જસદણ તરફના માર્ગ ઉપર સતત ટ્રાફિક રહે છે જેમા ચોટીલાથી આણંદપુર સુધીનો હાઇવે રોડ જરૂરીયાતના પ્રમાણમાં ટૂકો પડી રહ્યો છે તેમજ આ રોડ ઉપર અનેક ઠેકાણે મોટા ખાડા અને બાવળોના ઝૂંડ ને કારણે અકસ્‍માતનો ભય ઉદભવેલ છે. તેમજ અનેક ઠેકાણે મોટી કડ હોવાથી વાહન ચાલકો માટે જોખમી બનેલ જે બાબતે નાયબ કલેકટર એચ. ટી. મકવાણા તથા  મતવિસ્‍તારના ધારાસભ્‍ય શામજીભાઈ ચૌહાણ દ્વારા સંયુક્‍ત રીતે વિસ્‍તૃત સ્‍થળ નિરીક્ષણ કર હાઈવેના જવાબદારોને ઢંઢળવામાં આવેલ હતા

આ મુલાકાતમાં ચોબારી, ધરમપુર અને પાચવાડા સહિતના કુલ ૫ જેટલા સંવેદનશીલ સ્‍થળોની પ્રત્‍યક્ષ મુલાકાત દરમ્‍યાન રોડની બાજુમાં  મોટા ખાડા પડ્‍યા હોવાનું અને અનેક ઠેકાણે બાવળના ઝૂંડ ને કારણે ભયજનક સ્‍થિતિ સર્જાઈ હોવાનું ધ્‍યાને આવેલ.આ ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને, માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્‍થાનિક નાગરિકોની સલામતીને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપતાં, નાયબ કલેક્‍ટર અને ધારાસભ્‍ય દ્વારા નેશનલ હાઇવેના સંબંધિત અધિકારીઓને તાત્‍કાલિક ધોરણે જરૂરી કામગીરી પૂર્ણ કરવા આદેશો અપાયા હતા.

જેમા સર્જાયેલ જોખમી રોડ વિસ્‍તારોનું સમયસર સમારકામ કરવા અને ભવિષ્‍યમાં કોઈ નાગરિક અકસ્‍માતનો ભોગ ન બને તે માટે જરૂરી તમામ સુરક્ષાત્‍મક પગલાં તાત્‍કાલિક અસરે લેવા માટે સ્‍પષ્ટ દિશા-નિર્દેશો આપવામાં આવ્‍યા હતા. મુલાકાત સમયે નેશનલ હાઇવે ઓથોરિટી (રાજકોટ)ના  મિહિરભાઈ ટાંક, ચોટીલા મામલતદાર તથા અન્‍ય સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને ભયજનક સ્‍થિતિના નિવારણ માટે ટેકનિકલ ચર્ચાઓ કરી વહેલી તકે ભયજનક સ્‍થિતિ દૂર કરવાની તેમજ જરૂરી બાવળના કટીંગ ની ખાત્રી આપેલ હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે આ ભયજનક સ્‍થિતિ છેલ્‍લા ઘણા સમયથી ઉદભવેલ હતી જે અંગે ધારાસભ્‍ય અને પ્રાત અધિકારી એ અચાનક સ્‍થળ મુલાકાત કરી નેશનલ હાઈવે વિભાગને નાગરીકોની સુરક્ષા હેતુ કડક સૂચના આપવાની ફરજ પડેલ હતી.(તસવીરઃ હેમલ શાહ) 

(10:05 AM IST)