News of Friday, 22nd May 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિઝલની અછતઃ ખેડૂતો ચિંતાતુરઃ ખેતીકાર્ય ખોરવાયુ
ડિઝલનો જથ્થો પુરો થતા ગીર સોમનાથના ગડુશેરબાગમાં ચક્કાજામ પુરતા પ્રમાણમાં ઇંધણનો જથ્થો આપે તેવી ખેડૂતોની માંગઃ પેટ્રોલ પંપો ઉપર દરરોજ વાહનોની લાંબી લાઇનો

તસ્વીરમાં સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાઇનો તથા ચક્કાજામ કરીને આક્રોશ ઠાલવવામાં આવ્યો તે નજરે પડે છે. (તસ્વીર : ચંદ્રેશ હિરાણી(મોટી પાનેલી)
રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિઝલની અછત સર્જાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. અને ખેડૂતો ચિંતાપુર બન્યા છે. અને ભાજપ સરકાર ખેડૂતોને પુરતા પ્રમાણમાં ઇંધણનો જથ્થો આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
મોટી પાનેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તથા ઉપલેટાના તાલુકાના પાનેલી મોટી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે અને ખેડૂતોએ વાવેતર પહેલા ખેતર ખેડવાના હોય છે, પરંતુ ટ્રેક્ટરમાં પૂરવા માટે ડીઝલ જ મળતું ન હોવાથી ખેતીકાર્ય સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું છે.
પાનેલી મોટી, ધજડી, વિજપડી, જીકીયાળી સહિતના ગામોના ખેડૂતોને પેટ્રોલ પંપો પર ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ડીઝલ મળતું નથી. સમયસર ખેડ ન થાય તો વાવેતર મોડું થાય અને ઉત્પાદન પર સીધી અસર પડે. કપાસ, મગફળી, તલ જેવા મુખ્ય પાકોનું વાવેતર જોખમમાં મુકાયું છે.
જામજોધપુર
જામનગર જિલ્લાના જામજોધપુર શહેરમાં ડીઝલની ભારે અછતના કારણે હાહાકાર મચી ગયો છે. શહેરના મુખ્ય ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી છે. ટ્રક, ટ્રેક્ટર, પીકઅપ વાન, ખાનગી કાર સહિતના વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.
છેલ્લા એક અઠવાડિયાથી જામજોધપુર પંથકમાં ડીઝલની તંગી વર્તાઈ રહી છે. શહેરમાં આવેલા મોટાભાગના પંપો પર ડીઝલ નથી ના પાટિયા લાગી ગયા છે. એકમાત્ર ઈન્ડિયન ઓઈલના પંપ પર ડીઝલ આવતા જ ત્યાં વાહનોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી મોડી રાત સુધી વાહનોની લાઈન યથાવત રહે છે.
ભાણવડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ડીઝલની અછતે માઝા મૂકી છે. ૨૧ મે ૨૦૨૬ ના રોજ ભાણવડના ત્રણ પાટીયા ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ખેડૂતો ટ્રેક્ટર લઈને લાંબી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ચોમાસુ વાવેતરના દિવસો નજીક આવતા ખેતર ખેડવાની તાતી જરૂરિયાત છે, પરંતુ ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો લાચાર બન્યા છે.
ત્રણ પાટીયા પેટ્રોલ પંપ પર સવારથી જ આસપાસના ગામોના ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ માટે પહોંચી ગયા હતા. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ઘણા ખેડૂતોને પૂરતું ડીઝલ મળ્યું ન હતું. પંપ સંચાલકોએ સ્ટોક ખૂટી ગયો કહી હાથ અધ્ધર કરી દેતા ખેડૂતોમાં ભારે નિરાશા અને રોષ ફેલાયો હતો.
ભાણવડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ડીઝલની અછતે માઝા મૂકી છે. ૨૧ મે ૨૦૨૬ ના રોજ ભાણવડના ત્રણ પાટીયા ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ખેડૂતો ટ્રેક્ટર લઈને લાંબી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ચોમાસુ વાવેતરના દિવસો નજીક આવતા ખેતર ખેડવાની તાતી જરૂરિયાત છે, પરંતુ ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો લાચાર બન્યા છે.
ત્રણ પાટીયા પેટ્રોલ પંપ પર સવારથી જ આસપાસના ગામોના ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ માટે પહોંચી ગયા હતા. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ઘણા ખેડૂતોને પૂરતું ડીઝલ મળ્યું ન હતું. પંપ સંચાલકોએ સ્ટોક ખૂટી ગયો કહી હાથ અધ્ધર કરી દેતા ખેડૂતોમાં ભારે નિરાશા અને રોષ ફેલાયો હતો.
ગડુ શેરબાગ
મળતી માહિતી મુજબ, શેરબાગ ગડુ પાસે આવેલા પેટ્રોલપંપ પર છેલ્લા બે દિવસથી ડીઝલની ભારે અછત હતી. આજે સવારથી જ આસપાસના ગામોના ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ પુરાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ બપોર સુધીમાં પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા ખેડૂતો રોષે ભરાયા હતા. ચોમાસુ વાવેતર માટે ખેડ કરવાનો સમય આવી ગયો હોવાથી અને ડીઝલ ન મળતા ખેતી બગડવાની ભીતિએ ખેડૂતોએ હાઈવે પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ ડીઝલ આપો, ડીઝલ આપો ના નારા સાથે સોમનાથ-જૂનાગઢ હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. એસટી બસ, ખાનગી વાહનો અને માલવાહક ટ્રકો ફસાઈ ગયા હતા. ગરમીમાં મુસાફરો પણ હેરાન-પરેશાન થયા હતા.
ચક્કાજામની જાણ થતા જ માળિયા હાટીના પોલીસનો કાફલો અને મામલતદાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ખેડૂત આગેવાનો સાથે વાતચીત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી હતી કે તાત્કાલિક ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તેની ખાતરી આપવામાં આવે.
તંત્ર દ્વારા પુરવઠા વિભાગ સાથે વાત કરીને આજે સાંજ સુધીમાં ડીઝલનો જથ્થો પૂરો પાડવાની લેખિત બાંહેધરી આપ્યા બાદ લગભગ બે કલાક બાદ ખેડૂતોએ ચક્કાજામ સમેટયો હતો. ત્યારબાદ હાઈવે પરનો વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.
ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી ૨૪ કલાકમાં પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાવેતરની સિઝનમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. (ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
