<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દેવભૂમિ દ્વારકા: ઓખાના મધદરિયે માછીમારી બોટમાં અચાનક ફાટી નીકળી ભીષણ આગ, 5 ખલાસીઓનો ચમત્કારિક બચાવ

​મશીનરીમાં ધડાકા બાદ આગે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ: દરિયામાં મોજૂદ અન્ય બોટોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

​દેવભૂમિ દ્વારકા: ઓખા દરિયાકાંઠાથી અંદાજે ૨૫ નોટિકલ માઈલ દૂર મધદરિયે માછીમારી કરી રહેલી એક ફિશિંગ બોટમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. બોટની અંદર અચાનક થયેલા ધડાકા બાદ લાગેલી આ આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ખલાસીઓમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો. જોકે, સમયસર મળેલી મદદ અને અન્ય માછીમારોની સતર્કતાના કારણે તમામ ખલાસીઓના જીવ બચી ગયા છે.

​મશીનરીમાં બ્લાસ્ટ બાદ ફેલાઈ આગ

પ્રાપ્ત વિગતો અનુસાર, સલાયા બંદરની 'ફેઝાને કામુલસા' નામની ફિશિંગ બોટ ઓખાથી આશરે ૨૫ નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારીના વ્યવસાયમાં રોકાયેલી હતી. તે દરમિયાન બોટની એન્જિન મશીનરીમાં કોઈક ટેક્નિકલ ખામી સર્જાતા અચાનક ધડાકો થયો હતો અને જોતજોતામાં આગની લ્હોટોએ સમગ્ર બોટને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ હતી કે કાબૂ બહાર જતા બોટને ભારે નુકસાન થયું હતું અને આખરે તે દરિયામાં ડૂબી ગઈ હતી.

​ખલાસીઓએ સમુદ્રમાં કૂદીને બચાવ્યો જીવ

બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં સવાર તમામ ૫ જેટલા ખલાસીઓ જીવ بچાવવા માટે મધદરિયે પાણીમાં કૂદી પડ્યા હતા. સદનસીબે, આસપાસના વિસ્તારમાં જ માછીમારી કરી રહેલી અન્ય બોટોના ખલાસીઓની નજર આ ઘટના પર પડતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અન્ય બોટના માછીમારોએ ભારે જહેમત બાદ પાણીમાં તણાઈ રહેલા કે ફંગોળાયેલા પાંચેય ખલાસીઓને સહીસલામત રેસ્ક્યુ કરી પોતાની બોટમાં બેસાડી લીધા હતા.

​મોટી જાનહાનિ ટળતા રાહતનો શ્વાસ

આ દુર્ઘટનામાં બોટ અને તેમાં રહેલી મશીનરી તથા માછીમારીનું સાધનો સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો છે અને બોટ દરિયામાં જળસમાധി પામી છે. પરંતુ સમયસર અન્ય સહજ માછીમારોની મદદ મળી જવાથી પાંચેય ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. આ બનાવને પગલે દરિયાકાંઠાના પંથકમાં અને માછીમાર સમાજમાં ભારે ચર્ચા જાગી છે તથા સુરક્ષા બાબતે વધુ ગંભીર બનવાર્ અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે.

(6:26 PM IST)