News of Friday, 17th April 2026
હળવદ હાઈવે પર લકઝરી કારમાં જ દારૂની મહેફિલ માણતા દિલ્હી આપ નેતા સહીત બે આરોપી ઝડપાયા
હાઈવે પર કારમાં જ દારૂની મહેફિલ માણતા આ નેતાઓ પોલીસના હાથે ઝડપાઈ જતાં રાજકીય આલમમાં ભારે ગરમાવો

મોરબી જિલ્લાના હળવદ હાઈવે પરથી પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરવા બદલ આમ આદમી પાર્ટીના બે અગ્રણી નેતાઓની ધરપકડ કરી છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે હાઈવે પર કારમાં જ દારૂની મહેફિલ માણતા આ નેતાઓ પોલીસના હાથે ઝડપાઈ જતાં રાજકીય આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હળવદ પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન અને લક્ઝરી કાર સહિત કુલ 3.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતી કારની તલાશી લેવામાં આવી હતી. આ તપાસમાં મોરબી જિલ્લા પંચાયતની ચરાડવા બેઠકના 'આપ' ના પ્રભારી હિતેશભાઈ વરમોરા અને દિલ્હીથી આવેલા પક્ષના નેતા વિકાસકુમાર વિજયકુમાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગાડીમાંથી દારૂની બે બોટલો પણ મળી આવી હતી, જે બાદ પોલીસે બંનેની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં જવાબદાર ગણાતા રાજકીય પક્ષના હોદ્દેદારો જ આ રીતે નશાની હાલતમાં પકડાયા તે બાબત વહીવટી તંત્ર માટે પડકાર સમાન છે.
ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા આ ગુનામાં પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોટોકોલ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય કક્ષાના પક્ષના નેતાઓ જ્યારે રાજ્યની મુલાકાતે હોય ત્યારે તેમની આચારસંહિતા પર સૌની નજર હોય છે, ત્યારે દિલ્હીથી આવેલા નેતાની આ પ્રકારે ધરપકડ થતાં પક્ષની છબી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ આપ ને આડે હાથે લેવાના મૂડમાં છે. હાલમાં પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં પણ ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે હાઈવે પર પોલીસની સતર્કતાને કારણે દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે તંત્ર સજ્જ છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
