<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

જામનગરમાં તા. 26 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ 2026 યોજાશે

જામનગરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાશે સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ: મેળાનો સમય દરરોજ સવારે 10:00થી રાત્રે 10:00 વાગ્યા સુધી રહેશે

જામનગર : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર તથા ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM) અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવાના હેતુથી જામનગર ખાતે તા. 26 ઓક્ટોબરથી તા. 6 નવેમ્બર, 2026 દરમિયાન સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું વિધિવત રીતે ઉદ્ઘાટન તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 8:30 કલાકે કરવામાં આવશે. જામનગરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મેળાનો સમય દરરોજ સવારે 10:00 કલાકથી રાત્રે 10:00 કલાક સુધીનો રહેશે.
સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલમાં સ્વસહાય જૂથો, સખી મંડળો, સ્થાનિક કલાકારો, હસ્તકલાકારો, નાના ઉત્પાદકો, શહેરી ફેરિયાઓ તથા નાના વેપારીઓને પોતાનાં સ્વદેશી ઉત્પાદનો અને હસ્તકલાની વસ્તુઓના વેચાણ તથા પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, સ્થાનિક કલા, સંસ્કૃતિ અને પરંપરાગત ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તેમજ સ્થાનિક કારીગરોને પોતાની કળા અને ઉત્પાદનોને વધુ લોકો સુધી પહોંચાડવાની તક મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.
આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવો, સ્વરોજગારીની તકોનું સર્જન કરવું, મહિલા સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવાં અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો છે. આ પહેલના માધ્યમથી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહેવાની સાથે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેર સહિત આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને જામનગરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લેવા અને સ્થાનિક કારીગરો અને વેપારીઓને પ્રોત્સાહન આપવા તેમજ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરીને સ્થાનિક રોજગાર અને આર્થિક વિકાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે

(7:18 PM IST)