<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જામ ખંભાળીયામાં ફરી જીવલેણ લંપી વાયરસની એન્ટ્રી થતાં પશુપાલકો અને પશુપ્રેમીઓમાં ચિંતા

ઘી ડેમ વિસ્તારમાં 3 પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુ વિભાગ એલર્ટ. તાત્કાલિક સર્વે અને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા વિસ્તારમાંથી પશુપાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જામ ખંભાળીયામાં ફરી એકવાર જીવલેણ લંપી વાયરસની એન્ટ્રી થતાં પશુપાલકો અને પશુપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાયરસના પગલે તંત્ર પણ ત્વરિત હરકતમાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, જામ ખંભાળીયાના ઘી ડેમ વિસ્તારમાં આવેલા કેટલાક પશુઓમાં લંપી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં અત્રેના 3 પશુઓમાં આ સંક્રમણના લક્ષણો જણાતા સ્થાનિક સ્તરે દોડધામ મચી ગઈ છે.

પશુઓમાં લંપી વાયરસ ફરીથી દેખા દેતાની સાથે જ પશુપાલન વિભાગ તાત્કાલિક એલર્ટ થઈ ગયો છે. વિભાગની ટીમો દ્વારા બિમાર પશુઓને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. તેમજ વાયરસની પુષ્ટિ માટે સંક્રમિત પશુઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેથી રોગચાળો આગળ વધતો અટકાવી શકાય.

(11:02 PM IST)