તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ :સત્તાવાર જાહેરનામું
આગામી 1 જૂન 2026 થી 31 જુલાઈ 2026 સુધી જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક એરિયામાં માછીમારી કરવા જવા પર મનાઈ ફરમાવવામાં આવી

જામનગર :દરિયામાં સંભવિત જોખમો અને પ્રતિકૂળ હવામાનને કારણે માછીમારોની સુરક્ષા તેમજ જાનમાલનું નુકસાન અટકાવવા માટે જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું એક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર, આગામી 1 જૂન 2026 થી 31 જુલાઈ 2026 (બંને દિવસો સહિત) સુધી જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક એરિયામાં માછીમારી કરવા જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ માછીમાર કે અન્ય વ્યક્તિએ સમુદ્ર અથવા ક્રીક વિસ્તારમાં જવું નહીં તેમજ કોઈપણ પ્રકારની બોટની અવરજવર કરવી નહીં. તોફાની દરિયાને કારણે સર્જાતી અકસ્માતની સંભાવનાઓને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.
આ પ્રતિબંધાત્મક જાહેરનામામાંથી કેટલાક વ્યાપારી અને સરકારી એકમોને મુક્તિ આપવામાં આવી છે, જેમાં પોર્ટ પર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો અને ગુજરાત મેરિટાઈમ બોર્ડની બોટો, સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરાયેલી પેસેન્જર બોટો, નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન-યાંત્રિક એક લાકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને મુક્તિ આપવામાં આવી છે
આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ સજાને પાત્ર થશે. તંત્ર દ્વારા તમામ માછીમારોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
