તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 19th May 2026
જામજોધપુરમાં વ્યાજખોરો સામે ફરિયાદ : લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓનો આક્ષેપ
એચ.ડી.એફ.સી. બેંકના આસિસ્ટન્ટ મેનેજરે ચાર વ્યક્તિઓ સામે જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાયવેટ બેંકમાં નોકરી કરતા એક યુવાને ચાર વ્યક્તિઓ સામે ઊંચા વ્યાજે નાણા આપીને લાખો રૂપિયાની ઉઘરાણી કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી રવિ કુમાર વિજયભાઈ ગંઢચા(રહે. તિરુપતિ સોસાયટી, નવી પોસ્ટ ઓફિસ પાછળ, જામજોધપુર )ખાતે રહે છે, અને છેલ્લા ચાર વર્ષથી એચ.ડી.એફ.સી. બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
ફરિયાદ મુજબ બે વર્ષ અગાઉ ઓનલાઈન લોન અને ક્રેડિટ કાર્ડના કારણે નાણાકીય મુશ્કેલી ઊભી થતા તેમણે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે નાણા લીધા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ સત્યજીતસિંહ જાડેજાએ પ્રથમ રૂ. ૧૫,૦૦૦ અને બાદમાં રૂ. ૩૦,૦૦૦ વ્યાજે આપ્યા હતા. આરોપીએ માસિક આશરે ૪૦ ટકા જેટલું ઊંચું વ્યાજ નક્કી કરી સિક્યુરિટી પેટે સહીવાળા કોરા ચેક લીધા હોવાનું જણાવાયું છે. ફરિયાદી દ્વારા કુલ રૂ. ૩,૨૧,૫૦૦ જેટલી રકમ ચુકવ્યા છતાં હજુ દોઢ લાખ રૂપિયાની માંગણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા આરોપી સંદીપ કરણાભાઈ કરોતરા સામે પણ રૂ. ૧૦,૦૦૦ની સામે ભારે વ્યાજ વસૂલવા, કોરો ચેક લઈ વધુ રૂપિયા માંગવા તેમજ ધમકીઓ આપવાના આક્ષેપો કરાયા છે. ફરિયાદી મુજબ અનેક વખત ઓનલાઈન ચુકવણી કરવા છતાં આરોપી હજુ પણ રૂ. ૧૩,૦૦૦ની માંગણી કરી રહ્યો છે.
ત્રીજા આરોપી સનાભાઈ કરશનભાઈ મોવાણીયા સામે રૂ. ૮૦,૦૦૦ વ્યાજે આપી સિક્યુરિટી તરીકે બે કોરા ચેક લેવા તથા રૂ. ૧,૦૦,૦૦૦ પરત મળ્યા છતાં ફરીથી રૂપિયા માંગતા હોવાના આક્ષેપો કરાયા છે.
જ્યારે ચોથા આરોપી દિપભાઈ પરાગભાઈ બાવરિયાએ ફરિયાદીને રૂ. ૫,૨૦,૦૦૦ માસિક ૧૦ ટકા વ્યાજે આપ્યા હોવાનું અને અત્યાર સુધી રૂ. ૨,૨૪,૦૦૦ જેટલી રકમ ચુકવ્યા છતાં સતત પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનો આરોપ મૂકાયો છે.
ફરિયાદી મુજબ ચારેય આરોપીઓ દ્વારા વારંવાર ફોન તેમજ રૂબરૂ મળી ગાળો બોલી બળજબરીથી નાણા પડાવવા અને પરિવારને પણ ધમકાવવાની હરકતો કરવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
