<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

આગામી દિવસોમાં કચ્છ ભાજપ કાર્યકરો AI, નમો એપ, સોશિયલ મીડિયા, બુથ મેનેજમેન્ટ સહિતના પાઠ ભણશે : દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની તૈયારી બેઠક યોજાઈ

કચ્છ કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં કાર્યશાળા; દરેક મંડલમાં 24 કલાકના અભ્યાસ વર્ગ, 21 નિષ્ણાત વક્તાઓ સરકારની સિદ્ધિઓ-કાર્યપદ્ધતિનું માર્ગદર્શન આપશે

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ :  કેન્દ્ર સરકારના 12 વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા અને કાર્યકરોને ટેકનિકલી સજ્જ કરવા ભાજપે દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન શરૂ કર્યું છે. તેના ભાગરૂપે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ઝોનના પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ વિજયભાઈ પંડ્યા આ કાર્યશાળામાં ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવા પધાર્યા હતા.

આ કાર્યશાળામાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેષભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મેહતા, રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી સહિત જિલ્લા અને મંડલના હોદ્દેદારો, મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો તથા સદસ્યો અને મોટી સંખ્યામાં અપેક્ષિત શ્રેણીના આગેવાનો જોડાયા હતા.

આગામી દિવસોમાં કચ્છ જિલ્લાના દરેક મંડલમાં એક 24 કલાકના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવશે. આ વર્ગોમાં કાર્યકરોને વૈચારિક અધિષ્ઠાન અને ઇતિહાસ-વિકાસ, કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ અને કાર્ય પદ્ધતિ, ભાજપ સરકારની સિદ્ધિઓ અને તેનું અમલીકરણ, સોશિયલ મીડિયા અને AIનો ઉપયોગ, નમો એપ અને સરલ એપ, બુથ મેનેજમેન્ટની કુશળતા, મન કી બાત અને ટિફિન બેઠક જેવા જનસંપર્કના માધ્યમો જેવા વિષયોનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ વિષયો પર માર્ગદર્શન આપવા માટે જિલ્લાભરમાંથી 21 જેટલા નિષ્ણાત વક્તાઓ દરેક મંડલમાં જઈને સાત અલગ-અલગ વિષયો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડશે.

પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ વિજયભાઈ પંડ્યાએ જણાવ્યું કે આજે ભાજપની લહેર સાર્વત્રિક છે. તે મોદી સાહેબની કેન્દ્ર સરકારની જનહિતની અગણિત જનકલ્યાણકારી યોજનાઓની લોકમાનસમાં સ્વીકૃતિનું પ્રતિબિંબ છે. આ યાત્રામાં ભાજપના કરોડો કર્મઠ સૈનિકો પણ આભારી છે.

જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ કહ્યું કે અંત્યોદયના સિદ્ધાંતને અનુસરીને, પારદર્શક છબી સાથે પક્ષની ઊજળી પરંપરા આગળ ધપાવવામાં આપણે સૌ અવિરત પ્રવૃત્ત રહેવું એ જનસેવકની ફરજ છે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે મોદી સાહેબના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રવાદી નેતૃત્વની અસરથી દેશવાસીઓએ વિકાસ મોડેલને અપનાવ્યું છે. રાષ્ટ્રની આન, બાન અને શાન વધારવા વિકાસની રફતારને વેગ આપવા સૌ કટિબદ્ધ બન્યા છે.

કાર્યશાળાનું સંચાલન જિલ્લા મહામંત્રી હિતેષભાઈ ખંડોરે, સ્વાગત પ્રવચન પ્રશિક્ષણ અભિયાનના જિલ્લા સંયોજક વિકાસભાઈ રાજગોરે, આભારવિધિ સહ સંયોજક પારૂલબેન કારા અને આણદાભાઈ આહીરે કરી હતી. મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાએ આ માહિતી આપી હતી.

(1:09 PM IST)