<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

કચ્છ કોંગ્રેસમાં ભડકો : ચૂંટણી પહેલા મહિલા અગ્રણી માનસી શાહનું રાજીનામુ :ટિકિટોના વેપાર અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પાર્ટી છોડી

કોંગ્રેસે કેટલીક બેઠકો પર જાણીજોઈને નબળા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા: માનસી શાહે જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલ પર ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચાર અને ગોટાળાના ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસ છાવણીમાં સોપો

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસમાં ભયાનક ભડકો થયો છે. ભુજની જૈન સમાજની જાણીતી મહિલા અગ્રણી અને કોંગ્રેસના મહિલા કાર્યકર માનસી શાહે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. માનસી શાહે જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલ પર ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચાર અને ગોટાળાના ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.  

  વર્ષ 2015થી કોંગ્રેસના પાયાના કાર્યકર અને જિલ્લા પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળતા માનસી શાહે પોતાના રાજીનામામાં સનસનીખેજ ખુલાસા કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પક્ષમાં હવે વફાદારીનું કોઈ મૂલ્ય રહ્યું નથી. ટિકિટ વહેંચણીમાં “ભાવતાલ અને વહીવટ” ચાલતો હોવાના ઓડિયો વાયરલ થયા હોવા છતાં જિલ્લા પ્રમુખે કોઈ કાર્યવાહી કરવાને બદલે આવા તત્વોને પ્રોત્સાહન આપ્યું છે 

  

રાજીનામામાં સૌથી મોટો ધડાકો એ છે કે, કોંગ્રેસે કેટલીક બેઠકો પર જાણીજોઈને નબળા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આક્ષેપ મુજબ આ બધું એટલા માટે કરાયું છે જેથી સામે પક્ષના ઉમેદવારો બિનહરીફ થઈ જાય અથવા આસાનીથી જીતી જાય. આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે આર્થિક ગોટાળો થયો હોવાની આશંકા માનસી શાહે વ્યક્ત કરી છે.

એક તરફ જિલ્લા પ્રમુખ વિ.કે. હુંબલ પોલીસ અને ઉદ્યોગપતિઓ પર દબાણના આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમના જ પક્ષના નેતાઓ તેમની સામે મોરચો માંડી રહ્યા છે. માનસી શાહના જણાવ્યા મુજબ, પક્ષમાં હવે બ્લેકમેલિંગ કરતા તત્વોનો પ્રભાવ વધી ગયો છે. અગાઉ નખત્રાણા અને મુન્દ્રામાં પણ ટિકિટને લઈને વિવાદ થયો હતો, અને હવે ભુજમાંથી આ રાજીનામું કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરશે.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કચ્છમાં કોંગ્રેસ હાલમાં માત્ર લખપત જેવી ગણીગાંઠ બેઠકો પર જ મજબૂત છે. આવા સમયે આંતરિક વિખવાદ અને ટિકિટોના વેચાણના આક્ષેપો પક્ષને વધુ નબળો પાડી શકે છે. પાયાના કાર્યકરોની નારાજગી આગામી ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ભારે પડી શકે છે.

 

(7:09 PM IST)