News of Saturday, 6th June 2026
ચરાડવા પાસે ડમ્પરની ઠોકરે કારનો બૂકડોઃ પાંચના મોત
હળવદના રણછોડગઢના પરેશ ડઢૈયા (ઉ.વ.૨૪)ને માનસર પાસે બાઇક અકસ્માતમાં ઇજા થતાં તેને તેના પિતા સહિત ૬ લોકો કારમાં મોરબી હોસ્પિટલે લઇ જતાં હતાં ત્યારે રસ્તામાં કાળ ત્રાટક્યોઃ એક જ કુટુંબના ચાર સહિત પાંચના મોતથી ગામમાં કાળો કલ્પાંત : બાઇક અકસ્માતમાં જેને ઇજા થઇ હતી તે પરેશ ડઢૈયા, કારના ચાલક સુરેશભાઇ શીહોરા, વિરમભાઇ ડઢૈયાએ ઘટના સ્થળે દમ તોડયોઃ તા.પં. સદસ્ય પ્રેમજીભાઇ ડઢૈયા અને તેના કુટુંબી ભત્રીજા ભરતભાઇ ડઢૈયાના રાજકોટમાં મોતઃ દિલીપભાઇ ડઢૈયા રાજકોટમાં, પ્રકાશભાઇ ડઢૈયા મોરબી સારવાર હેઠળ

હળવદઃ તસ્વીરમાં પાંચેય મૃતકોના ફાઇલ ફોટો. (તસ્વીરઃ દિપક જાની- હળવદ).: તસ્વીરમાં હળવદના ચરાડવા પાસે સર્જાયેલ અકસ્માતમાં બુકડો બોલી ગયેલ કાર, જેસીબીની લેવાયેલ મદદ તથા લોકોના ટોળા નજરે પડે છે. (તસ્વીરઃ દિપક જાની- હળવદ)(
(દિપક જાની/પ્રવિણ વ્યાસ દ્વારા) હળવદ-મોરબી તા. ૬: હળવદ તાલુકાના ચરાડવા આંદરડા ગામની વચ્ચેના હાઇવે પર રાત્રીના ડમ્પરે કારને ઠોકરે ચડાવતાં કારનો બૂકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં હળવદના રણછોડગઢ ગામના એક જ પરિવારના ૪ સહિત પાંચ લોકોના મોત થતાં કાળો કલ્પાંત સર્જાયો છે. મૃતકોમાં એક તાલુકા પંચાયતના આ વખતે ચુંટાયેલા સદસ્ય પણ સામેલ છે. રણછોડગઢના ડઢૈયા પરિવાના ૨૪ વર્ષના પુત્ર પરેશ દિલીપભાઇને માનસર પાસે બાઇક અકસ્માતમાં ઇજા થતાં તેને કાર મારફત મોરબી સારવાર માટે લઇ જતી વખતે આ અકસ્માત નડયો હતો. જેમાં જેને બાઇક અકસ્માતમાં ઇજા થઇ હતી એ યુવાન સહિત પાંચનો ભોગ લેવાઇ જતાં ગામમાં કાળો કલ્પાંત સર્જાયો છે.
આ અકસ્માતમાં કાર ચાલક સુરેશભાઇ વિસાભાઇ સિહોરા (ઉ.વ.૪૫), વિરમભાઇ ભીમાભાઇ ડઢૈયા (ઉ.વ.૨૮), પરેશ દિલીપભાઇ ડઢૈયા (ઉ.વ.૨૪)ના ઘટનાસ્થળે મોત થયા હતા. જયારે રાજકોટમાં સારવાર દરમ્યાન હળવદ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય પ્રેમજીભાઇ શંકરભાઇ ડઢૈયા (ઉ.વ.૫૦) અને ભરતભાઇ પ્રભુભાઇ ડઢૈયા (ઉ.વ.૪૮)નાં મોત થયા છે. જયારે પ્રકાશભાઇ અમીરભાઇ ડઢૈયા (ઉપસરપંચ- રણછોડગઢ ગ્રામ પંચાયત) અને પ્રકાશભાઇ ડઢૈયા રાજકોટ સારવારમાં છે.
હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે ગુરુવારે મોડી સાંજે સર્જાયેલા અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના ૫ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનામાં ઘટનાસ્થળે ૩ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રૌઢના રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર રણછોડગઢ ગામ સહિત હળવદ પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત ૨ વ્યક્તિઓ હાલ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રણછોડગઢ ગામના દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયાનો ૨૪ વર્ષીય પુત્ર પરેશ ગુરુવારે સાંજે હળવદથી પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. દરમિયાન માનસર ગામના પાટિયા પાસે તેનું બાઈક અચાનક સ્લિપ થઈ જતાં તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ પરિવારજનો અને ગામના આગેવાનોને થતાં તેના પિતા દિલીપભાઈ, ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રકાશભાઈ ડઢૈયા, તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ ડઢૈયા સહિત કુલ ૭ વ્યક્તિઓ KIA કાર લઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ઘાયલ પરેશને કારમાં બેસાડી તમામ લોકો તેને વધુ સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા. રાત્રે આશરે ૮:૩૦ વાગ્યાના સુમારે તેમની કાર ચરાડવા અને આંદરણા ગામ વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે મુખ્ય રોડની સાઈડમાંથી પૂરપાટ ઝડપે રોડ પર ચડી રહેલા એક બેફામ ડમ્પરે તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે KIA કારનો આગળનો ભાગ પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને કારમાં સવાર લોકો તેમાં જ ફસાઈ ગયા હતા.
અકસ્માતની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર ચાલકનો મળતદેહ કારમાં એ રીતે ફસાઈ ગયો હતો કે તેને બહાર કાઢવા માટે બે JCB મશીનની મદદ લેવી પડી હતી. ગ્રામજનો અને JCB ઓપરેટરોએ લગભગ એક કલાકની ભારે જહેમત બાદ મળતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર સાથે સ્થળ પરથી નાસી છૂટયો હતો.
હાલ બંને ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એક જ ગામના અને એક જ પરિવારના પિતા-પુત્ર સહિત ૫ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોતથી રણછોડગઢ ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના માનસર ગામ પાસે એક બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રણછોડગઢ ગામના કેટલાક યુવાનો પોતાની કારમાં તેને લઈને હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા. રાત્રિના આશરે ૯:૩૦ વાગ્યાની આસપાસ તેમની કાર ચરાડવા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપની સામે પહોંચી, ત્યારે જ એક કારખાનામાંથી નીકળેલા ડમ્પરે અચાનક વળાંક લીધો હતો. હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં રહેલી કારના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર સીધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.
પતરા ચીરીને લોકોને બહાર કાઢવા પડ્યા
ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ મુસાફરો લોખંડના પતરાની વચ્ચે દબાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી (JCB) મશીનની મદદ લેવામાં આવી હતી. જેસીબી વડે કારના પતરાને ખેંચીને અંદર ફસાયેલા લોકોને માંડ-માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે, ૩ યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ૨ વ્યક્તિઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. હાલમાં અન્ય ૨ ઇજાગ્રસ્તો મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મળતદેહોને પીએમ અર્થે ખસેડીને અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. એક ઇજાગ્રસ્તની જિંદગી બચાવવા નીકળેલા રણછોડગઢ ગામના ૫ સગા-તોહી યુવાનોના મોતના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.(૨.૨૦)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
