News of Wednesday, 1st July 2026
ઉશ્કેર-રામકુંડમાં રૂ. 26.05 લાખની ઘરફોડ ચોરી, તલના પાકની રોકડ સાથે સોના-ચાંદીના દાગીના ચોરાયા
તસ્કરોએ ઘરની બહાર પડેલી સીડીનો ઉપયોગ કરીને બાથરૂમની છત મારફતે પ્રથમ માળની ગેલેરીમાંથી મકાનમાં પ્રવેશ કર્યો

માંડવી: તાલુકાના ઉશ્કેર-રામકુંડ ગામમાં તસ્કરોએ એક ખેડૂતના મકાનને નિશાન બનાવી રૂ. 26.05 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. સોના-ચાંદીના દાગીના ઉપરાંત તલના પાકના વેચાણમાંથી મળેલી રોકડ રકમ પણ ચોરી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે તડકેશ્વર પોલીસ મથકે ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, 29 જૂનની રાત્રે આરીફ મહમદ અબ્દુલ રહીમ શેખ પોતાના ઘરના ઓસરીના રૂમમાં સૂતા હતા, જ્યારે તેમની પત્ની રઝિયાબેન હોલમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરની બહાર પડેલી સીડીનો ઉપયોગ કરીને બાથરૂમની છત મારફતે પ્રથમ માળની ગેલેરીમાંથી મકાનમાં પ્રવેશ કર્યો હતો.
ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ તિજોરી અને કબાટ તોડી આશરે પાંચ તોલાનો સોનાનો સેટ, ચાર સોનાની બંગડીઓ, ત્રણ તોલાની ચેઈન, વીંટીઓ, કાનની બુટ્ટીઓ તેમજ અંદાજે 500 ગ્રામ ચાંદીની પાયલ સહિત કુલ રૂ. 21.05 લાખના દાગીના ચોરી લીધા હતા. ઉપરાંત, તાજેતરમાં તલના પાકના વેચાણમાંથી મળેલી રકમ અને ઘરની બચત મળી કુલ રૂ. 5 લાખની રોકડ પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે આશરે 3 વાગ્યે રઝિયાબેન અચાનક જાગી જતાં ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તેમણે બૂમાબૂમ કરતાં પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. તપાસ કરતાં તિજોરી ખુલ્લી અને દાગીના-રોકડ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ત્યાં સુધીમાં તસ્કરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં તડકેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરો સુધી પહોંચવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય પાસાઓના આધારે તપાસ શરૂ કરી છે
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
