News of Wednesday, 4th November 2026
જસદણના ગોડલાધારના અશ્વીન માનકોલીયાની આટકોટમાં સરકારી દવાખાના પાસેથી લાશ મળી
એક મહિના પહેલા રીસામણે ગયેલી પત્નિ હેતલબેને કેસ કર્યો હોઇ ગઇકાલે કોર્ટમાં હાજર થયા બાદ ઝેર પી લીધાની શંકાઃ મોતનું કારણ જાણવા રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૪: જસદણના ગોડલાધાર ગામે રહેતાં ૩૨ વર્ષના યુવાનની આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રિસામણે ગયેલી પત્નિએ કેસ કર્યો હોઇ પરમદિવસે આટકોટ કોર્ટમાં તે તારીખે હાજર થવા ગયો હતો. આ પછી તેની લાશ મળી હતી. તેણે ઝેર પી આપઘાત કરી લીધાની શંકા પરિવારે દર્શાવી હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છ.ે
જાણવા મળ્યા મુજબ ગોડલાધાર ગામે રહેતો અશ્વીનભાઇ લાભુભાઇ માનકોલીયા-કોળી (ઉ.વ.૩૨) નામનો યુવાન પરમ દિવસે આટકોટ કોર્ટમાં તેને તારીખ હોઇ ત્યાં હાજરી આપવા ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો નહોતો. આ દરમિયાન ગઇકાલે તેની લાશ આટકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી મળી આવતાં પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ મૃત્યુ અંગે શંકા દર્શાવતા મૃતદેહ રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પ્રાથમિક તબક્કે તેણે ઝરે પી આપઘાત કર્યાનું તારણ નીકળ્યું હતું.
મૃત્યુ પામનાર અશ્વીનભાઇ ત્રણ ભાઇમાં નાનો હતો અને જસદણમાં હીરા ઘસવાની મજૂરી કરતો હતો. તેના સગાના કહેવા મુજબ અશ્વીનભાઇના પત્નિ હેતલબેન એકાદ મહિના પહેલા આટકોટ ખાતે રીસામણે જતાં રહ્યા છે. તેણીએ કોર્ટમાં કેસ કર્યો હોઇ તેની પરમ દિવસે તારીખ હતી. અશ્વીનભાઇ કોર્ટ ખાતે ગયો હતો પણ તેના પત્નિ હાજર થયા નહોતા. આ પછી અમને ખબર પડી હતી કે તે તેના સાસરીયામાં પણ વાતચીત કરવા ગયો હતો.
ત્યારબાદ ગઇકાલે તેની લાશ આટકોટના દવાખાના પાસેથી મળ્યાની પોલીસે અમને જાણ કરી હતી. પત્નિ સાથે સમાધાન ન થતાં કંટાળીને તેણે આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? તેની તપાસ પોલીસ કરી રહી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
