તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Wednesday, 30th September 2026
ભાવનગર અને તળાજા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
ભાવનગર મહાનગર ખાતે નગરસેવકો સાથે બેઠક યોજી વિકાસકાર્યો તથા જનસેવા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ સંદર્ભે જગદીશભાઈ વિશ્વકર્માએ માર્ગદર્શન આપ્યું: રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત તળાજા ખાતે વયોવૃદ્ધોને ૧૮ પ્રકારની ઉપયોગી સાધન-સામગ્રીના નિઃશુલ્ક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા :તળાજા ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’માં યુવાનો સાથે સંવાદ કરી પ્રતિભા, ઊર્જા, કૌશલ્ય અને નવીન વિચારોના માધ્યમથી રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ભાવનગર મહાનગરપાલિકા અને તળાજા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. દિવસ દરમિયાન વિભિન્ન કાર્યક્રમોમાં તેમણે નગરસેવકો, વયોવૃદ્ધ લાભાર્થીઓ, યુવાનો તેમજ બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
ભાવનગર મહાનગર ભાજપા કાર્યાલય ખાતે જગદીશભાઈ વિશ્વકર્માએ નગરસેવકો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ભાવનગર મહાનગરના વિકાસકાર્યો, જનસેવા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ તેમજ નાગરિકલક્ષી કામગીરી અંગે નગરસેવકો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. મહાનગરના વિકાસને વધુ ગતિ આપવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા નાગરિકો સાથે સતત સંપર્ક અને સંવાદ જળવાઈ રહે તે અંગે વિશ્વકર્માએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તળાજા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધો માટે ઉપયોગી નિઃશુલ્ક સાધન સહાય વિતરણ સમારોહ યોજાયો હતો.જગદીશભાઈ વિશ્વકર્મા તથા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વડીલોને તેમની દૈનિક જરૂરિયાતોમાં ઉપયોગી બને તેવી કુલ ૧૮ પ્રકારની સાધન-સામગ્રી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. જેમાં લાકડી, ટોયલેટ સીટ, વ્હીલચેર, કમરનો બેલ્ટ, ગળાનો બેલ્ટ સહિત વિવિધ ઉપયોગી સાધનોનો સમાવેશ થાય છે.
તળાજા ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત રહી યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી પ્રગતિ તેમજ યુવાનો માટે ઊભી થયેલી નવી તકો અંગે વાર્તાલાપ કર્યો હતો. તેમણે યુવાનોને પોતાની પ્રતિભા, ઊર્જા, કૌશલ્ય અને નવીન વિચારોના માધ્યમથી રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.
આ ઉપરાંત તળાજા વિધાનસભાના બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે વિશ્વકર્માએ ટિફિન બેઠક યોજી હતી. કાર્યકર્તાઓ સાથે સહભોજન કરી તેમણે સંગઠનાત્મક કામગીરી, બૂથ સ્તરે જનસંપર્ક, વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોના અમલીકરણ તેમજ જનસેવા સાથે સંકળાયેલા વિવિધ વિષયો અંગે સીધો સંવાદ કર્યો હતો. વિશ્વકર્માએ બૂથના કાર્યકર્તાઓને સંગઠનની મહત્વપૂર્ણ શક્તિ ગણાવી સતત જનસંપર્ક અને સમર્પિત ભાવ સાથે સંગઠનના કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
ભાવનગર ખાતે જગદીશભાઈ વિશ્વકર્માએ કૃષ્ણનગર જૈન ઉપાશ્રયની મુલાકાત લઈ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય શ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તળાજા ખાતે વિશ્વકર્મા મંદિરે દર્શન કરી સૌની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
વિવિધકાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, ભાવનગર મહાનગર ભાજપા અધ્યક્ષ કૃણાલભાઈ શાહ, પ્રભારી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, ભાવનગર જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લધવા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, સેવા સંકલ્પ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા સહિત ભાજપાના આગેવાનો,પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
