<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

શ્રી સોમનાથ મંદિર પાસે મોડી રાત્રે દબાણ હટાવ ઝૂંબેશ : જુઓ વિડિયો

ભોંયવાડા વિસ્‍તારમાં કોરિડોર માટે એક ધાર્મિક સ્‍થળ, ૩ દુકાન અને ૧ મકાનનું ડિમોલિશનઃ વળતર અને દસ્‍તાવેજની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તંત્રની ટીમો રાત્રે ૩ વાગે પહોંચીઃ ડીવાયએસપી, ૩ પીઆઈ, ૬ પીએસઆઈ અને ૮૫થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧૯: સોમનાથ મંદિરના વિકાસ અને કોરિડોર પ્રોજેક્‍ટને લઈને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે ૩ વાગ્‍યાની આસપાસ સોમનાથ મંદિર નજીક આવેલા ભોંયવાડા વિસ્‍તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા કોરિડોરના વિસ્‍તારમાં આવતી એક ધાર્મિક જગ્‍યા, ત્રણ દુકાનો અને એક મકાનને દૂર કરવામાં આવ્‍યા છે. આ તમામ મિલકતો સોમનાથ મંદિરના વિકાસ કાર્યો અને કોરિડોરના નિર્માણમાં અવરોધરૂપ હોવાનું મનાઈ રહ્યું છે.

ડિમોલિશન પહેલા તમામ મિલકતોના દસ્‍તાવેજો અને વળતરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે. વહીવટી તંત્ર દ્વારા રહેવાસીઓ અને દુકાનદારોને અગાઉથી જાણ કરવામાં આવી હતી અને યોગ્‍ય વળતર પણ ચૂકવવામાં આવ્‍યું હતું.આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે મોટો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. એક ડીવાયએસપી, ૩ પીઆઈ, ૬ પીએસઆઈ, એલસીબી સહિત કુલ ૮૫થી વધુ પોલીસ કર્મીઓ અને મામલતદાર સહિતની વહીવટી ટીમો વહેલી મોડી રાત્રે સ્‍થળ પર પહોંચી હતી અને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી.

સોમનાથ મંદિરના સૌંદર્યીકરણ અને આસપાસના વિસ્‍તારના વિકાસ માટે સરકાર દ્વારા કોરિડોર પ્રોજેક્‍ટ હાથ ધરવામાં આવ્‍યો છે. તેના ભાગરૂપે આ ડિમોલિશન કરવામાં આવ્‍યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તંત્રની આ કાર્યવાહી બાદ ભોંયવાડા વિસ્‍તારમાં કોરિડોરના કામને વધુ વેગ મળશે તેવી શકયતા છે. આગામી દિવસોમાં પણ કોરિડોરના વિસ્‍તારમાં આવતી અન્‍ય મિલકતોને દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે.

(11:36 AM IST)