<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ભુજ રેલવે સ્‍ટેશન પર સામાન્‍ય બાબતે હત્‍યાઃ લોખંડની પાઈપથી હુમલો કરાતા પરપ્રાંતીય યુવકનું મોત

ક્ષણિક બોલાચાલી બાદ ૨૮ વર્ષીય મુકેશ સાહની પર જીવલેણ હુમલો; રેલવે પોલીસે આરોપીને સ્‍થળ પરથી ઝડપી લીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨: ભુજ રેલવે સ્‍ટેશન પર ગઈકાલે સાંજે બે પ્રવાસીઓ વચ્‍ચે થયેલી સામાન્‍ય બોલાચાલી અચાનક લોહિયાળ બની હતી. ઉશ્‍કેરાયેલા એક યુવકે લોખંડની ભારે પાઈપ વડે સામેના યુવકના માથામાં હુમલો કરતાં ૨૮ વર્ષીય મુકેશ સાહનીનું મોત થયું હતું.

ઘટનાથી સ્‍ટેશન પર થોડા સમય માટે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મુકેશને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયો હતો, પરંતુ માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તાત્‍કાલિક સ્‍થળે પહોંચી હતી અને હુમલાખોરને ઝડપી લીધો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી લોખંડની પાઈપ પણ કબજે કરી છે. મૃતક મુકેશ મૂળ સીતામઢી, બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્‍યું છે.

પ્રાથમિક તપાસ મુજબ મૃતક અને આરોપી એકબીજાથી અજાણ્‍યા હતા. મૃતક યુવકે આરોપીને ક્‍યાં જવું છે એવું પૂછતાં આરોપીએ ઉશ્‍કેરાઈને રેલવે સ્‍ટેશને ચાલતા બાંધકામનો પડેલો લોખંડનો સળીયો મૃતકના માથામાં ફટકારી હત્‍યા નિપજાવી હતી. જોકે, ક્ષણિક આવેગમાં હત્‍યા થઈ કે પાછળ અન્‍ય કોઈ કારણ છે તે અંગે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પી.આઈ. પી.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ આરોપીની પૂછપરછ સહિત આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે.

દરરોજ પ્રવાસીઓની અવરજવરથી ધમધમતા રેલવે સ્‍ટેશને હત્‍યાના બનાવે પ્રવાસીઓમાં રેલવે પોલીસની સુરક્ષા વ્‍યવસ્‍થા સામે સવાલો સર્જ્‍યા છે.

(10:55 AM IST)