News of Saturday, 23rd May 2026
ભાવનગર રેલવે ડિવિઝનનો મુસાફરો માટે મોટો નિર્ણય, 3 સ્પેશિયલ ટ્રેન હવે કાયમી દોડશે, ભાડામાં પણ થશે ઘટાડો
તહેવારોની ભીડને ધ્યાનમાં રાખી રેલવે તંત્રનું મહત્વનું પગલું, મુસાફરોને મળશે કાયમી રાહત: સ્પેશિયલ ચાર્જ હટાવતા ટિકિટ સસ્તી થશે, વેઈટિંગ લિસ્ટની સમસ્યા હળવી થવાની આશા

ભાવનગર, તા. 23 : ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝન હેઠળ દોડતી 3 સ્પેશિયલ ટ્રેનોને હવે કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ આ ટ્રેનો પર લાગતો સ્પેશિયલ ચાર્જ હટાવી દેવાતા મુસાફરોને ભાડામાં પણ રાહત મળશે.
રેલવે તંત્ર દ્વારા તહેવારો અને ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખી આ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. મુસાફરો તરફથી મળી રહેલા સકારાત્મક પ્રતિસાદ અને સતત વધી રહેલી માંગને જોતા હવે આ ટ્રેનોને કાયમી કરવાનો નિર્ણય લેવાયો છે.
સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી ટ્રેનોમાં સામાન્ય ભાડા કરતા 10થી 30 ટકા સુધી વધુ ચાર્જ વસૂલવામાં આવતો હતો. હવે કાયમી થતા આ સ્પેશિયલ ચાર્જ દૂર થશે, જેથી ટિકિટના દર સામાન્ય મેલ/એક્સપ્રેસ ટ્રેન જેટલા જ થઈ જશે. આ નિર્ણયથી દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને મોટી આર્થિક રાહત મળશે.
આ 3 ટ્રેનો કાયમી થવાથી ભાવનગર ડિવિઝનના મહત્વના રૂટ પર ટ્રેનોની સંખ્યા વધશે. જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી વેઈટિંગ લિસ્ટની સમસ્યા હળવી થવાની અને મુસાફરોને કન્ફર્મ ટિકિટ સરળતાથી મળવાની આશા છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ આ ટ્રેનોનું સંચાલન કાયમી ધોરણે શરૂ કરવા માટેનું ટાઈમ ટેબલ અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભાડા ઘટાડાનો લાભ પણ નવી તારીખથી જ લાગુ પડશે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં વધુ ટ્રેનો વધારવા પર પણ વિચારણા ચાલી રહી છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
