News of Monday, 16th November 2026
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ હિમાચલ પ્રદેશમાં FCI, CWC અને BISની કામગીરીની સમીક્ષા કરી
ખાદ્યાન્નની ખરીદી અને વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, સંગ્રહ સુવિધાઓમાં સુધારો લાવવા તેમજ ગુણવત્તા ધોરણો અને પ્રમાણિકરણની પહોંચ વધારવા અંગે ચર્ચા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ ૧૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભારતીય ખાદ્ય નિગમ (FCI), કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) અને ભારતીય માનક બ્યુરો (BIS)ની કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠકમાં રાજ્યમાં ખાદ્યાન્નની ખરીદી અને વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, સંગ્રહ સુવિધાઓમાં સુધારો લાવવા તેમજ ગુણવત્તા ધોરણો અને પ્રમાણિકરણની પહોંચ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં પણ રેશનકાર્ડધારકોને સમયસર અનાજનો પુરવઠો મળી રહે તે માટે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી હતી. બેઠકમાં જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં ૫,૪૪૫ વાજબી ભાવની દુકાનો દ્વારા ૧૯,૮૫,૩૨૯ રેશનકાર્ડ હેઠળ ૭૧,૫૨,૪૦૧ લાભાર્થીઓને અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. રાજ્યમાં તમામ રેશનકાર્ડનું ૧૦૦ ટકા આધાર જોડાણ પૂર્ણ થયું છે તેમજ તમામ વાજબી ભાવની દુકાનોમાં ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઑફ સેલ (ePoS) વ્યવસ્થા કાર્યરત છે.
કેન્દ્રીય ભંડારણ નિગમની કામગીરીની સમીક્ષા દરમિયાન હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં કુલ ૩૦ ગોડાઉન કાર્યરત હોવાનું જણાવાયું હતું. આ પૈકી ૨૧ ગોડાઉન નિગમનાં પોતાના અને ૯ ભાડે લીધેલાં છે. આ ગોડાઉનોની કુલ સંગ્રહ ક્ષમતા ૫.૫૦ લાખ મેટ્રિક ટન છે. વધારાની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા જમીન ફાળવણી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ભારતીય માનક બ્યુરો દ્વારા ગુણવત્તા ધોરણો અને પ્રમાણિકરણ અંગે હાથ ધરવામાં આવતા જાગૃતિ અભિયાનોની મંત્રીશ્રીએ સરાહના કરી હતી. યુવાનોને આવા અભિયાનો સાથે જોડવા તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને ઉત્પાદન પ્રમાણિકરણમાં સહયોગ આપવા પર ભાર મૂક્યો હતો.
સમીક્ષા બેઠક બાદ મંત્રીએ કાંગડા જિલ્લાના મટેર ખાતે આવેલી વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ મેળવતા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોથી ગ્રાહક સુરક્ષા, ગુણવત્તા પ્રમાણિકરણ, વૈજ્ઞાનિક સંગ્રહ સુવિધાઓના વિસ્તરણ તેમજ ખાદ્યાન્નની વધુ કાર્યક્ષમ ખરીદી અને વિતરણ વ્યવસ્થાને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
