<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

યુવાન વયે પોતાના અધિકારો અને અસ્મિતા માટે લડત આપનાર ભગવાન બિરસા મુંડાનું જીવન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ : રત્નાકરજી

મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ અને રાષ્ટ્રકાર્યમાં સહભાગી બનવા સાંસદ વિનોદ ચાવડાનો અનુરોધ, ભુજમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬ : ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ અંતર્ગત ભુજ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપનાર તેમજ રાષ્ટ્ર, સમાજ અને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે માત્ર ૨૫ વર્ષની નાની વયે સ્વતંત્રતાની લડતની સાથે આદિવાસી સમુદાયના હકો માટે પણ પ્રબળ સંઘર્ષ કર્યો હતો. આદિવાસી સમાજના ઐતિહાસિક યોગદાન અને બલિદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં ૧૫મી નવેમ્બરને ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આપણે એવા મહાપુરુષ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, જેમણે આઝાદી પહેલાં જ આદિવાસી સમુદાયમાં ‘ધરતી આબા’ તરીકે ઓળખ મેળવી હતી. તેમણે જનજાતીય સમાજના અધિકારો અને સાંસ્કૃતિક વારસાના જતન માટે સતત પ્રેરણા પૂરી પાડી હતી. મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ અને રાષ્ટ્રના કાર્યમાં સહભાગી બનવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો.

વક્તા રત્નાકરજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન માત્ર ૨૫ વર્ષનું રહ્યું હતું, પરંતુ આ ટૂંકી આયુમાં તેમણે સમાજ, સંસ્કૃતિ, સભ્યતા તેમજ જંગલ અને જમીનના અધિકારો માટે અંગ્રેજ શાસન સામે બાથ ભીડી હતી. ભારતની મૂળ સંકલ્પના પ્રકૃતિ, નદી, જંગલ અને પર્યાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને દેશના તમામ મહાપુરુષો તથા સમાજો આ વ્યવસ્થાના અભિન્ન અંગ છે. યુવાન વયે પોતાના અધિકારો અને અસ્મિતા માટે લડત આપનાર ભગવાન બિરસા મુંડાનું જીવન અને બલિદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. આજના યુવાનોએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને આવા મહાપુરુષોના ઇતિહાસને જાણીને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ, તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરક ઉદ્બોધન લાઇવ પ્રસારણના માધ્યમથી ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. વડાપ્રધાનશ્રીના સંબોધન દ્વારા જનજાતીય સમાજના ગૌરવ, સન્માન અને વિકાસની સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં તેમની સહભાગિતા સુનિશ્ચિત કરવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સીદી સમુદાયના કલાકારોએ પરંપરાગત નૃત્યની મનમોહક પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને તેમની સિદ્ધિઓ બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને તેની સિદ્ધિઓની ઝાંખી રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મીબેન ખેતાણી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી શીતલભાઈ શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેનશ્રી હરીશ ભંડેરી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રણજીતસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, પ્રાંત અધિકારી એમ. નાકિયા, આગેવાનો દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી અને હિતેશભાઈ ખંડોલ સહિત પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

(3:16 PM IST)