News of Friday, 31st July 2026
જામનગર સહિત જીલ્લામાં વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાની અધ્યક્ષતામાં વરસાદની આગાહીને ધ્યાને લઈ સમીક્ષા બેઠક યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી તા.૨ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સતત સતર્ક રહી સંકલન સાથે કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી.
સંભવિત પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળની એક ટીમ જિલ્લામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો તેમજ સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવા અને જરૂરી જણાય ત્યાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે લગત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જામનગર મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તથા લગત વિભાગના અધિકારીશ્રીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
