તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Friday, 5th June 2026
લીંબડીના ટોકરાળા ગામે બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈને સશસ્ત્ર ધીંગાણું સર્જાયું
અલગ-અલગ જ્ઞાતિના બે જૂથો હાથમાં ઘાતક હથિયારો સાથે જાહેર બજારમાં ઉતરી આવતા ભારે અફરાતફરી અને ભયનો માહોલ: લાકડીઓ અને હથિયારો સાથે સામસામે થયેલા હુમલામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટોકરાળા ગામમાંથી જૂથ અથડામણની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામમાં અગાઉ થયેલા એક ઝઘડાનું મનદુઃખ રાખીને બે પક્ષો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. અલગ-અલગ જ્ઞાતિના બે જૂથો હાથમાં ઘાતક હથિયારો સાથે જાહેર બજારમાં ઉતરી આવતા ગામમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ, ટોકરાળા ગામે બંને જૂથો વચ્ચે અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હતી, જેની અદાવત મનમાં રાખીને આજે ફરીથી બોલાચાલી શરૂ થઈ હતી. ઉશ્કેરાયેલા બંને પક્ષના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે ગામની બજારમાં સામસામે ધસી આવ્યા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ સશસ્ત્ર મારામારીમાં બંને પક્ષે થઈને અંદાજે 3 જેટલા લોકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જૂથ અથડામણને પગલે લોહીલુહાણ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી તાબડતોબ સારવાર અર્થે લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ હિંસક ઘટનાની જાણ થતાં જ પાણશિણા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ટોકરાળા ગામે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધી હુમલાખોરોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
