News of Wednesday, 1st July 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં 'વાદળા' સાથે હવે વરસાદની ‘આશા' પણ બંધાણી
ધીમે-ધીમે વાતાવરણમાં પલ્ટો આવતા સૌ કોઇ રાજીના રેડઃ સવારે જુનાગઢમાં ઝાપટા વરસ્યાઃ મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌ કોઇ મેઘરાજાની કાગઢોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને હળવો, ભારે વરસાદ વરસી જાય છે. કાલે અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં ર ઇંચ વરસાદ પડતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ હતી.
સવારથી સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ છવાયેલ છે. ત્યારે હવે સૌ કોઇને વરસાદની આશા બંધાઇ છે.
ગુજરાત રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે.
સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે. નવસારીમાં ધોધમાર ૩.૭ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે, જ્યાં ૩.૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં પણ ૨.૭૬ ઈંચ વરસાદ પડતાં નદી-નાળા છલકાયા છે.
દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ૨.૪ ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સુરતની બાજુમાં આવેલા કામરેજમાં ૨.૩૬ ઈંચ વરસાદ થયો છે. આ સિવાય જલાલપોરમાં ૨ ઈંચ જ્યારે ખેડાના વસોમાં (Vaso) ૧.૮૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, પલસાણામાં ૧.૮૫ ઈંચ અને નાના પૌંઢામાં ૧.૭૦ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અંબિકા અને મહુવા પંથકમાં પણ ૧.૬૧ ઈંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
સાવર કુંડલા
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા :.. સાવરકુંડલા માં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી જતા ભારે ગરમી ઉકળાટ ના વાતાવરણ ઠંડી નું વાતાવરણ પસરી જતા લોકો માં રાહત દમ અનુભવ્યો હતો
આમતો ૧૫ જૂન થી ચોમાસું બેસી જતું હોય છે ત્યારે ભારે ઉકળાટ ગરમી અને ધગધગતા તાપ માન પારા થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હોય તેવી સ્થિતિ માં વરસાદ ની કાગડોળે રાહ જોતા હોય છે અને ચોમાસા ના પંદર પંદર દિવસ વીતી ગયા હોય અને વરસાદ ન વર્ષે ત્યારે લોકો ચિંતાતુર અને ભારે ગરમી અને તાપમાન થી ત્રાહીમામ થઈ ગયા હોય તેવી સ્થિતિ માં આજે સવારે ૧૧.૩૦ થી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતુ ત્યારે બાદ દોઢ થી બે કલાક સુધી વરસાદ તો વરસ્યું એ પણ સૂપડા ની ધારે ધોધમાર બે ઇંચ વરસાદ વરસી જવા પામેલ હતો આ ચોમાસા ના પ્રથમ વરસાદ થી લોકો ને ભારે તાપ માન ગરમી અને કાળા તડકા થી રાહત મળી ઠંડી નું વાતાવરણ થઈ ગયું અને આ વરસાદ વાવણી લાઈક વરસાદ વરસી ગયો હતો એટલે આમ જોઈએ તો ચોમાસા નો પ્રથમ વરસાદ સારો અને વાવણી લાયક હોવા થી વર્ષ સારૂ થઈ તેવી લોકો એ આશા ઓ વ્યક્ત કરી હતી.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ આજે સવારે જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. હળવા વરસાદના ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂન મહિનો પૂરો થવા છતાં પણ જુનાગઢ જિલ્લામાં ચોમાસાની શરૂઆત નહીં થતા સામાન્ય લોકો સહિત ખેડૂતોના જીવ ઊચક થઈ ગયા હતા. દરમિયાન આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે પાંચ વાગ્યાથી હળવા વરસાદના ઝાપટા શરૂ થયા હતા. ૭ વાગ્યાની આસપાસ પણ જોરદાર ઝાપટુ વરસી જતા શહેરના કેટલાક માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા.
અસહ્ય બફારો અને ઉકળાટ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ગોંડલ
(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ :.. ગોંડલમાં વહેલી સવારથી કાળા ડિંબાગ વાદળા છવાયા ગોંડથી રાજકોટ તરફ કાળા ડિંબાગ વાદળો છવાયા છે. વાદળીયું વાતાવરણ લઇને ગરમીમાં રાહત જોવા મળી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામગનર :.. મહત્તમ તાપમાન ૩૬.ર, લઘુતમ ર૮.પ, ભેજ ૭૭ ટકા, અને પવનની ઝડપ ૧૩.૭ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
