News of Thursday, 16th April 2026
કચ્છના ભુજ પાસે લોડાઈમાં પાણીપુરી ખાધા પછી 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું
અચાનક તબિયત બગડતા તમામ દર્દીઓને ભુજની હોસ્પિટલમાં દાખલ કરાયા

કચ્છના ભુજ પાસે આવેલા લોડાઈ વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ એકસાથે 100 થી વધુ લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ફૂડ પોઈઝનિંગની આ ગંભીર ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભુજની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, લોડાઈ વિસ્તારમાં ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં લોકોએ સ્થાનિક લારી પર પાણીપુરીનો આનંદ માણ્યો હતો. જોકે, થોડા જ કલાકોમાં એક પછી એક લોકોને ઉલ્ટી, ડાયરીયા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી. જોતજોતામાં દર્દીઓની સંખ્યા 100 ને પાર કરી ગઈ હતી, જેના કારણે લોડાઈ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે. અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાણીપુરીમાં વપરાતા પાણી, મસાલા અને ચણા-બટાકાના નમૂના એકત્ર કર્યા છે. આ નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અશુદ્ધ પાણી અથવા વાસી સામગ્રીના ઉપયોગને કારણે આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
