News of Tuesday, 3rd November 2026
વઢવાણમાં ટોઇલેટની બારીમાંથી કુદીને ફરાર થયેલો આરોપી જસદણથી ઝડપાયો
કુદરતી હાજતે જવાનું કહી ચોરીનો આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો પોલીસ જપ્તામાંથી ભાગી ગયો હતોઃ રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દબોચી લોધો

રાજકોટ, તા. ૩: વઢવાણમાં પોલીસ જાપ્તામાં હેલ્થ સ્કીનીંગ રીપોર્ટ કરાવવા સરકારી હોસ્પિટલમાં લઇ જવા પેલા ચોરીના ગુનાનો આરોપી કુદરતી હાજતે જવાનું બહાનું કહી ટોઇલેટની બારીમાંથી ભાગી ગયો હતો.
જેને બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જસદણ પાસેથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ વઢવાણ પોલીસ મથકનાં એએસઆઇ રૂપાભાઇ જોગરાણા, કોન્સ. સુખદેવસિંહ રાઠોડ ત્રણ-ચાર માસ પહેલા ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી ધનશ્યામ ઉર્ફે ધનો વિરૂભાઇ કાંજીયા (ઉ.વ. ર૩ રહે. જસાપર, પાણીના ટાંકા પાસે, તા. મુળી) કોર્ટમાં પ્રોડકશન રીપોર્ટ સાથે રજુ કરતા કોર્ટ તરફથી આરોપીનું સુરેન્દ્રનગર સબ જેલનું વોરંટ ભરી આપતાં પોલીસે વોરંટ લઇ નિયમ અનુસાર આરોપીનું હેલ્થ સ્ક્રીનીંગ મેડિકલ રીપોર્ટ કરાવવા તે આરોપીને લઇ વઢવાણ સરકારી હોસ્પિટલમાં ગયા હતા.
તબીબ હાજર જ હોવાથી તે ડોકટરની રૂમ બહાર રાહ જોઇને બેઠા હતા ત્યારે આરોપીએ કુદરતી હાજતે જવાનું કહેતા તેને ટોઇલેટમાં લઇ જવાયો હતો. આ સમયે આરોપી ટોઇલેટની ખુલ્લી બારીમાંથી ભાગી ગયો હતો. જે મામલે ફરીયાદ નોંધાઇ હતી.
બીજી તરફ આ ગુનામાં ફરાર આરોપી ઘનશ્યામ ઉર્ફે ધનો કાંજીયાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ના પીઆઇ એફ.એ. પારગીની રાહબારીમાં પીએસઆઇ જી.જે. ઝાલા, હેડ કોન્સ. વિજયભાઇ વેગડ અને ચંદુભાઇ પલાળીયા સહિતની ટીમે બાતમીના આધાર જસદણ બસ સ્ટેન્ડ પાસેથી પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી એસઓજી પીઆઇ એફ.એ. પારગી, પીએસઆઇ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, હેડ કોન્સ. વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, કોન્સ. રામદેવસિંહ ઝાલા અને વિજયગીરી રસીકગીરીએ કરી હતી
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
