News of Monday, 16th November 2026
ભાવનગરના ઉમરાળા સર્કિટ હાઉસમાં નોકરી કરતા યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત:સ્યુસાઈડ નોટમાં જીવનથી થાકી ગયા હોવાનો ઉલ્લેખ
વલ્લભીપુરના ઈટાળિયા ગામના માત્ર 24 વર્ષીય રાહુલ બેચરભાઈ રાઠોડનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં અનેક સવાલો ઊભા થયા

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં આવેલા સર્કિટ હાઉસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સર્કિટ હાઉસમાં ફરજ બજાવતા 24 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ વલ્લભીપુર તાલુકાના ઈટાળિયા ગામના રહેવાસી રાહુલ બેચરભાઈ રાઠોડ તરીકે થઈ છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.
મળતી માહિતી અનુસાર, રાહુલ બેચરભાઈ રાઠોડ ઉમરાળા સર્કિટ હાઉસમાં નોકરી કરતો હતો. દરમિયાન સર્કિટ હાઉસમાં જ તેના મોતની ઘટના સામે આવતા કર્મચારીઓ અને સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. માત્ર 24 વર્ષની ઉંમરે રાહુલનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં ઘટનાસ્થળેથી મળી આવેલી સ્યસાઈડ નોટ ચર્ચાનો વિષય બની છે. પ્રાથમિક વિગતો મુજબ, આ નોટમાં જીવનથી થાકી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે લખ્યુ છે કે 'મારે જીવવું હતું એટલું જીવી લીધું હવે મારે જીવવાનું કોઈ લક્ષ્ય નથી. એટલે હું ફાંસી ખાઈને મરૂ છું. મગજમાં રોજ વિચાર આવતો કે આત્મહત્યા કરી લવું. ઘણા સમયથી આવા વિચાર આવતા હતા. બીજું કોઈ કારણ નથી. મેં આ કોઈના લીધે કર્યું નથી.
હાલ ઉમરાળા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે ઈટાળિયા ગામ સહિત સમગ્ર પંથકમાં ભય સાથે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
