<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ધ્રોલ નજીક અકસ્‍માતમાં ઘવાયેલા મજોઠના યુવકનું અમદાવાદમાં મોત

પુત્રી અને ગર્ભવતી પત્‍નીએ પિતા-પતિની છત્રછાયા ગૂમાવી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૪: ધ્રોલથી મજોઠ તરફ જઈ રહેલા મજોઠ ગામના યુવકને કાળ આંતરી ગયો છે. સોયલ ગામ નજીક બાઇક સ્‍લીપ થતાં મગજમાં ગંભીર હેમરેજનો ભોગ બનેલા યુવકનું અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે કરૂણ અવસાન થતાં સમગ્ર પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ગત તા. ૧૭મી જુલાઈના રોજ દીપકભાઈ રામજીભાઈ નંદાસણા બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક સ્‍લીપ થઈ જતાં દીપકભાઈ રોડ પર પટકાયા હતા. આ અકસ્‍માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં પ્રથમ ધ્રોલ અને ત્‍યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

રાજકોટ ખાતે સારવાર દરમિયાન યુવક કોમામાં સરી પડતાં તબીબોની સલાહથી વિશિષ્ટ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા. જ્‍યાં બે દિવસ સુધી જીવન અને મરણ વચ્‍ચે ઝઝૂમ્‍યા બાદ બુધવારે રાત્રે ૧૧ વાગ્‍યાના સુમારે દીપકભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. યુવકના અચાનક અવસાનથી પરિવાર પર અણધાર્યો વજ્રાઘાત થયો છે.

અત્‍યંત કાળજું કંપાવી દે તેવી બાબત એ છે કે મળતક દીપકભાઈ પોતાના પરિવારમાં એક નાની  દીકરી અને ગર્ભ ધરાવતા પત્‍નીને વિલાપ કરતા છોડી ગયા છે. અણજન્‍મેલા બાળકે આ દુનિયામાં પગ મૂકે તે પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવાર સહિત સમગ્ર મજોઠ ગામમાં અરેરાટી છવાઈ ગઈ છે.

(1:18 PM IST)