News of Monday, 25th May 2026
ટંકારા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે દિવ્યેશ નમેરા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબા જાડેજા
કારોબારી ચેરમેન તરીકે ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા, શાસક પક્ષના નેતા તરીકે પાયલબેન હિરેનભાઈ ઘોડાસરા, દંડક તરીકે મનુબેન ભાવેશભાઈ મૂંધવાની વરણી

(જયેશ ભટ્ટાસણા-ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.,૨૫ : ટંકારા તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે નામોની જાહેરાત કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી નિમણૂક અંતર્ગત ટંકારા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે દિવ્યેશ પરષોત્તમ નમેરાની વરણી કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી ઉર્મિલાબા કળષ્ણસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. આ બંને આગેવાનો હવે પંચાયતનું સુકાન સંભાળશે. આ બે મુખ્ય પદો ઉપરાંત પંચાયતના અન્ય મહત્વના હોદ્દા પર પણ નિમણૂક સંપન્ન થઈ છે. જેમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ગૌરીબેન રસિકભાઈ દેત્રોજાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે પાયલબેન હિરેનભાઈ ઘોડાસરા અને દંડક તરીકે મનુબેન ભાવેશભાઈ મૂંધવાની વરણી કરવામાં આવી છે. ટંકારા તાલુકા પંચાયતની આ નવી ટીમ જાહેર થતા જ તેમના સમર્થકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે. નવા વરાયેલા આ તમામ હોદ્દેદારોને તેમના કાર્યકરો દ્વારા નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
દિવ્યેશભાઈ નમેરા પ્રથમ વખત ચૂંટણી લડી ભવ્ય વિજય મેળવીને સીધા જ પ્રમુખ બન્યા
ઉર્જા, દીર્ઘદ્રષ્ટિ અને ટેકનોલોજીકલ અભિગમ સાથે દિવ્યેશભાઈ ટંકારા તાલુકાને વિકાસના પંથે આગળ લઈ જવા માટે સજ્જ
(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૨૫: પ્રથમ વખત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી દિવ્યેશભાઈ નમેરાએ ભવ્ય વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે. પ્રથમ પ્રયાસે જ જનતાનો અભૂતપૂર્વ વિશ્વાસ જીતીને તેઓ સીધા તાલુકાના સર્વોચ્ચ પદ એટલે કે પ્રમુખશ્રી તરીકેની મહત્વની જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે.
નાની ઉંમર, મોટી જવાબદારીઃ યુવાનોના આઇકોન ખૂબ જ નાની ઉંમરે આટલી મોટી અને જવાબદારીપૂર્વકની ગાદી સંભાળનાર દિવ્યેશભાઈ આજે વિસ્તારના યુવાનોના આઇકોન બન્યા છે. તેમનું નેતળત્વ એ વાતનું પ્રતીક છે કે રાજકારણ અને સમાજસેવામાં હવે યુવા લોહી અને નવા વિચારોને પ્રાધાન્ય મળી રહ્યું છે.
ઉર્જા, દીર્ઘદ્રષ્ટિ અને ટેકનોલોજીકલ અભિગમ સાથે દિવ્યેશભાઈ ટંકારા તાલુકાને વિકાસના પંથે આગળ લઈ જવા માટે સજ્જ છે. પ્રથમ વખતની ચૂંટણીમાં જ પ્રમુખ પદ સુધીની સફર તેમની લોકપ્રિયતા અને કુશળતા સાબિત કરે છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
