<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

રફાળેશ્વર નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગ પર ૧૦ ફાયર ટીમોએ ૨૪ કલાકના ભારે પરિશ્રમ બાદ મેળવ્યો કાબુ : લાખો લીટર પાણીનો મારો ચલાવાયો

નાફેડ દ્વારા ખરીદાયેલી ૧.૫૯ લાખથી વધુ મગફળીની ગુણીઓ બળીને ખાખ : આગનું સાચું કારણ જાણવા એફએસએલની મદદ લેવાશે : વેરહાઉસ કોર્પોરેશન સામે એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરતા નાફેડ ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલા ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં શનિવારે બપોરના સુમારે અચાનક ભયાવહ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. નાફેડ દ્વારા ખરીદી કરીને સ્ટોક કરવામાં આવેલી લાખો રૂપિયાની મગફળી આ ભીષણ આગની લપેટમાં આવી ગઈ હતી. મોરબી, રાજકોટ, જામનગર અને વાંકાનેરની કુલ ૧૦ ફાયર ટીમોએ સતત ૨૪ કલાક સુધી આખી રાત પાણીનો મારો ચલાવીને આખરે આગ પર કાબુ મેળવ્યો છે. જોકે, ગોડાઉનમાં રહેલો મગફળીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

 

૪૫ લાખ લીટર પાણીનો મારો ચલાવાયો, કૂલિંગ પ્રક્રિયા હજુ ચાલુ:

મોરબીના ફાયર ઓફિસર જયેશ ડાકીએ આ દુર્ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, શનિવારે બપોરે આગ લાગવાની ઘટના સામે આવતા જ મોરબીથી ચાર, રાજકોટની બે અને વાંકાનેરની એક એમ કુલ ૭ ટીમોએ તાત્કાલિક બજાવવાની કામગીરી શરૂ કરી હતી. આખી રાત ઓપરેશન ચાલવા છતાં આગ પર કાબુ ન આવતા જામનગર અને રાજકોટથી વધુ ટીમો બોલાવવામાં આવી હતી. કુલ ૧૦ ફાયર ટીમોના જવાનોએ અંદાજે ૪૫ લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી છે. આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હોવા છતાં, મગફળીનો જથ્થો અંદરથી સળગતો હોવાથી રવિવારે સાંજ કે રાત સુધી કૂલિંગ પ્રક્રિયા કલાકો સુધી ચાલુ રાખવામાં આવશે.

 

૫૫ લાખ કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ:

આ સરકારી ગોડાઉનમાં નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી કરાયેલી ૧,૫૯,૦૦૦ (અંદાજે ૧.૬૦ લાખ) મગફળીની ગુણીઓનો વિશાળ સ્ટોક સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. પ્રતિ ગુણીમાં ૩૫ કિલોગ્રામ લેખે ગણતરી કરતાં ગોડાઉનમાં અંદાજિત ૫૫ લાખ કિલોથી વધુ મગફળીનો જથ્થો સંગ્રહિત હતો. આ ભીષણ આગ અકસ્માતે લાગી કે અન્ય કોઈ કારણોસર, તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ તેના કારણે કરોડો રૂપિયાની મગફળી બળીને કોલસો થઈ ગઈ છે.

 

તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની, કાયદેસરની કાર્યવાહી શરૂ:

આ ગંભીર ઘટના અંગે નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ એક વીડિયો સંદેશ મારફત સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ગોડાઉનમાં આગ લાગી છે તે વેરહાઉસ નાફેડે ભાડા પર રાખેલું છે. નિયમોનુસાર, માલનો સ્ટોક રાખ્યા પછી તેની સુરક્ષા અને દેખરેખની તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની બને છે. આથી, આ નુકશાની ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી પણ વેરહાઉસ કોર્પોરેશનની જ રહેશે અને નાફેડ આ અંગે કલેઈમ કરશે. વેરહાઉસ કોર્પોરેશનની બેદરકારી સામે એફઆઈઆર (FIR) દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

 

પોલીસે ડીવીઆર કબજે લીધું, એફએસએલ તપાસ કરશે:

બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણે ગોડાઉનનું ડીવીઆર (DVR) પોતાના કબજામાં લઈ લીધું છે અને સીસીટીવી ફૂટેજની બારીકાઈથી ઇન્ક્વાયરી શરૂ કરી છે. આગ પાછળ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે શોર્ટ સર્કિટ જવાબદાર છે કે કેમ, તેનું સાચું કારણ શોધવા માટે એફએસએલ (FSL) ની ટીમ પણ વિસ્તૃત તપાસ ચલાવશે. તપાસના અંતે જે પણ વ્યક્તિ દોષિત સાબિત થશે, તેની સામે કડક કાનૂની એક્શન લેવામાં આવશે તેવું સત્તાધારીઓ દ્વારા જણાવાયું છે.

(8:15 PM IST)