<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

કોડીનાર-ઉના હાઈવે પર દેવળી ગામ નજીક બાઈક સાથે રખડતું પશુ અથડાતા દેવળી ગામના એક યુવકનું મોત:અન્ય યુવક કોમામાં સરી પડ્યો

બાઈક પર સવાર બંને યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાયા:દેવળી ગામના રહેવાસી એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું

ગીર સોમનાથ જિલ્લામાંથી અકસ્માતની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોડીનારથી ઉના તરફ જતા મુખ્ય હાઈવે પર રાત્રીના 11 વાગ્યા પછી અંધકારના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કોડીનાર તાલુકાના દેવળી ગામના ઓલેશ્વર વિસ્તાર નજીકથી બાઈક પર સવાર થઈને બે યુવાનો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ રોડની વચ્ચે રખડતું પશુ આવી ચઢ્યું હતું, જેના કારણે પૂરઝડપમાં જતું બાઈક પશુ સાથે ધડાકાભેર અથડાઈ ગયું હતું. 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં દેવળી ગામના રહેવાસી એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને હાલ તે કોમામાં સરી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવાનના અચાનક મોતના સમાચારથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રાત્રિના સમયે હાઈવે પર અચાનક રખડતા ઢોર અને પશુઓ બેસી રહેવા અથવા દોડી જવાના કારણે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા રખડતા પશુઓના પ્રશ્ને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(12:17 AM IST)