News of Thursday, 22nd October 2026
શરીરમાં આયોડિનની નાનકડી કમી કરી શકે છે જીવનભરનું મોટું નુકસાન
આજે આયોડિન અલ્પતા નિવારણ દિવસ, જાણો આપણા શરીર અને બુદ્ધિના વિકાસ માટે આયોડિનનું શું છે મહત્વ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : આયોડિન શરીરને માઈક્રોગ્રામમાં જોઈએ છે, પણ તેની કમી કરોડો લોકોની બુદ્ધિ અને વિકાસ રોકી દે છે. WHO મુજબ આયોડિન એક એવું પોષક તત્વ છે,જેની કમી શરીર માટે હાનિકારક છે.તેને સંતુલિત રાખવું જરૂરી છે.
અદાણી સંચાલિત ગેઇમ્સના ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણીએ ૨૧મી ઓકટો."આયોડીન અલ્પતા નિવારણ દિવસ" નિમિતે કહ્યું કે, આયોડિન એ થાઈરોઈડ ગ્રંથિનો કાચો માલ છે. થાઈરોઈડ ગ્રંથિ શરીરના વિકાસ માટે જરૂરી છે. તેમાંથી T3 અને T4 હોર્મોન બને છે. જો આયોડિન ઓછું મળે તો હોર્મોન બનાવવા ગ્રંથિને વધુ મહેનત કરવી પડે છે અને તે ફૂલીને મોટી થઈ જાય છે - જેને ગોઈટર (ગળામાં ગાંઠ) કહે છે. લાંબા ગાળે હોર્મોન ઘટી જાય છે.
તેમના કહ્યા મુજબ આયોડિનની કમીથી થાક, વજન વધવું, ઠંડી સહન ન થવી, વાળ ખરવા, ગળામાં સોજો, ગળવામાં તકલીફ, સુસ્તી, યાદશક્તિ ઘટવા લાગે છે. આયોડિનની કમીથી હાઈપોથાયરોડિઝમ થાય છે. મેટાબોલીઝમ ધીમું પડે છે, હૃદયના ધબકારા, શરીરનું તાપમાન, માંસપેશીઓ બધું જ ખોરવાય જાય છે. તે ગંભીર છે કારણ કે સતત શારીરિક અને માનસિક ક્ષમતા ઘટાડે છે, ચેપ ઝડપથી લાગે છે.
ગર્ભમાં બાળક સંપૂર્ણપણે માતાના આયોડિન પર નિર્ભર હોય છે. કમી હોય તો કસુવાવડ, મૃત જન્મ, કે બાળકમાં ક્રેટિનિઝમ - એટલે કે બૌદ્ધિક વિકલાંગતા, બહેરાશ, ઠીંગણાપણું અને વિકાસ અટકી જવો થઈ શકે છે.
*દિવસ દરમિયાન કેટલું આયોડિન ખાવું?*
વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અહેવાલ મુજબ બાળકો ૧ -૮ વર્ષના બાળકોને: ૯૦ માઈક્રોગ્રામ ૯ -૧૩ વર્ષનાને ૧૨૦ માઈક્રોગ્રામ પુખ્ત વયની વ્યક્તિને ૧૫૦ માઈક્રોગ્રામ સગર્ભા મહિલાને: ૨૨૦ -૨૫૦ માઈક્રોગ્રામ અનેધાત્રી માતાને ૨૯૦ માઈક્રોગ્રામની જરૂર પડે છે.એક ચપટી આયોડિનયુક્ત મીઠું લગભગ ૭૫ માઈક્રોગ્રામ આપી દે છે. આયોડિનના મુખ્ય સ્ત્રોત તરીકે આયોડિનયુક્ત મીઠું, દરિયાઈ માછલી ઝીંગા, સીવીડ, દૂધ, દહીં, ચીઝ, ઈંડા વિગેરે છે.
દરેકના ઘર સુધી રોજ પહોંચે તેવો સસ્તો અને અસરકારક ઉપાય એટલે આયોડિનયુક્ત મીઠું. ભારતે ૧૯૮૪થી જ આખા દેશમાં આયોડિનયુક્ત મીઠાની નીતિ અપનાવી છે. આજે પણ તે સૌથી સફળ ઉપાય છે
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
