<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

કેશોદના એરપોર્ટ રોડ પર આવેલ રામેશ્વર ઓઇલ મિલમાં ભીષણ આગ લાગી :સામાન અને મશીનરી બળીને ખાખ

કુલ ત્રણ ફાયર ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી

કેશોદના એરપોર્ટ રોડ પર સ્થિત એક ઓઇલ મિલમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં મિલનો સામાન અને મશીનરી બળીને ખાક થઈ ગઈ છે.

કેશોદના એરપોર્ટ રોડ પર આવેલી રામેશ્વર ઓઇલ મિલમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોઈ શકાતી હતી. મળતી માહિતી મુજબ મિલના કામકાજ માટે એક મજૂર વહેલી સવારે ત્યાં પહોંચ્યો ત્યારે તેને મિલમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જેના પગલે તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે આગ વધુ વિકરાળ હોવાથી પરિસ્થિતિને જોતા કેશોદ નગરપાલિકાની વધારાની ફાયર ટીમોને પણ તાત્કાલિક મદદ માટે બોલાવવી પડી હતી. કુલ ત્રણ ફાયર ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અને તેને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી.

આ દુર્ઘટનામાં મિલમાં રહેલી મગફળી, સીંગદાણા અને ફોતરીનો મોટો જથ્થો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે. આ સાથે જ મિલમાં રહેલી મોંઘી મશીનરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં મિલ માલિકને એક કરોડ રૂપિયાથી વધુનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:05 PM IST)