News of Monday, 22nd June 2026
ભાવનગરના સણોસરામાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પરત લાવવાની અદાવતમાં રત્નકલાકાર પર છરી ઝીંકાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨: પાલીતાણા તાલુકાના હણોલ ગામે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા યુવક પર સણોસરા ગામે અગાઉની અદાવત રાખી એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. પત્નીની દવા લેવા ગયેલા યુવકને રસ્તામાં આંતરીને પડખા તેમજ હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો. પ્રેમલગ્ન કરનાર યુવતીને ભોગ બનનારનો પરિવાર કચ્છથી પરત લાવ્યો હોવાની રાખેલી અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.
હણોલ ગામે રહેતા ૩૬ વર્ષીય રત્નકલાકાર મહાવીરભાઈ ઘોલેતરના એક સંબંધીની દીકરી સાથે સણોસરાના પિયુષ મુકેશભાઈ ઉર્ફે પોપટભાઈ રાઠોડે અઢી મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, મહાવીરભાઈ અને તેમનો પરિવાર આ યુવતીને કચ્છથી પરત લઈ આવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને પિયુષ અવારનવાર ફરિયાદીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.
દરમિયાન, ગઈકાલે ૨૦ જૂના રોજ સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં મહાવીરભાઈ પોતાના ગામ હણોલથપત્નીની દવા લેવા માટે સણોસરા આવ્યા હતા. અહીં એક મેડિકલ સ્ટોર પર જરૂરી દવા ન મળતા તેઓ પોતાની મોટરસાયકલ લઈને અન્ય મેડિકલ સ્ટોર તરફ જઈ રહ્યા હતા. તે સમયે સણોસરા ગામમાં હનુમાનજીની ડેરી સામે આરોપી પિયુષ રાઠોડે કાવતરૂ રચી પોતાની બાઈક મહાવીરભાઈની બાઈક સાથે અથડાવી દીધી હતી અને ત્યારબાદ એકાએક છરી વડે તૂટી પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ભોગ બનનારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સોનગઢ પોલીસે ગુનો નોંધી હુમલાખોર પિયુષ રાઠોડ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
