News of Saturday, 31st October 2026
ધ્રોલમાં સરદાર પટેલ જયંતિ નિમિત્તે પાટીદાર યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ
‘જય સરદાર, જય પાટીદાર'ના ગગનભેદી નારા સાથે ગજાનંદ સોસાયટીથી પટેલ સમાજ સુધી યોજાયેલી રેલીમાં યુવાનો-આગેવાનો ઉત્સાહભેર જોડાયા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૩૧ :.. ધ્રોલ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ધ્રોલ-જોડિયા વિસ્તારના પાટીદાર યુવાનો દ્વારા ધ્રોલ શહેરમાં એક વિશાળ અને ભવ્ય બાઇક રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ - ધ્રોલના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા.
આ રેલીનું પ્રસ્થાન સવારે ખારવા રોડ પર આવેલી આર્યવ્રત સ્કૂલ અને ગજાનંદ સોસાયટી પાસેથી કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન પટેલ સમાજના આગેવાનો દ્વારા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર/પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આદરપૂર્વક રેલીને આગળ ધપાવવામાં આવી હતી. હાથમાં કેસરી ધ્વજ, સરદાર સાહેબના ચિત્રવાળા બેનરો અને ‘જય સરદાર, જય પાટીદાર' તેમજ ‘ભારત માતા કી જય'ના ગગનભેદી નારાઓ સાથે બાઇક સવારોએ સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
‘એકતા - સંગઠન - શક્તિ' અને ‘સરદારની પ્રેરણાથી સમાજની એકતા'ના સંદેશ સાથે નીકળેલી આ રેલી ખારવા રોડ, ગજાનંદ સોસાયટીથી નીકળી રાજકોટ હાઈવે, ત્રિકોણ બાગ, ગાંધી ચોક થઈને એસ.ટી. રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. સમગ્ર રૂટ દરમિયાન નગરજનો દ્વારા રેલીનું ઠેર-ઠેર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંતે આ શિસ્તબદ્ધ બાઇક રેલી એસ.ટી. રોડ પર આવેલા પટેલ સમાજ ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. સમાપન સ્થળે ઉપસ્થિત આગેવાનો અને વડીલોએ યુવાનોના ઉત્સાહ અને સંગઠન શક્તિને બિરદાવી સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. કાર્યક્રમને ભવ્ય સફળ બનાવવા માટે ધ્રોલ-જોડિયા પંથકના પાટીદાર યુવાનો અને આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
