<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સાવરકુંડલા પાલિકા ચૂંટણીમાં ૯૯ ઉમેદવારો મેદાને, ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિપાંખિયો જંગ

કોંગ્રેસના ૩૬, ભાજપના ૩૬ અને આપના ૨૭ ઉમેદવારો ચૂંટણી લડશેઃ આજથી પ્રચારનો ધમધમાટ શરૂ, મુસ્‍લિમ વોર્ડમાં આપના જૂજ ઉમેદવારો, ભાજપના ગઢમાં મત તોડે તેવી ચર્ચા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્‍પષ્ટ થઈ ગયું છે. કુલ ૯૯ ઉમેદવારોની ઉમેદવારી ફાઈનલ થતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ નિશ્‍ચિત મનાઈ રહ્યો છે. આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે.

અહેવાલ મુજબ સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ૩૬ ઉમેદવારો, ભાજપ પક્ષના ૩૬ ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના ૨૭ ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. ચિત્ર સ્‍પષ્ટ થતા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોત-પોતાના ચૂંટણી પ્રચારના બુગલ ફૂંકવાના શરૂ કરી દીધા છે.

આ નગરપાલિકાની ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધી ફાઈટ તો છે જ, પરંતુ આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોને નડે છે તે કહેવું અત્‍યારે અસ્‍થાને છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્‍યાં કોંગ્રેસના મતો તોડે એમ હતા ત્‍યાં આપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. એટલે મુસ્‍લિમ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જૂજ લડી રહ્યા છે.

રાજકીય નિષ્‍ણાતોનું કહેવું છે કે ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં આમ આદમી પાર્ટી ચોક્કસ રીતે ભાજપના મતો તોડશે અને ભાજપને નુકસાન કરે તેવી શકયતા છે. અત્‍યારે તો લોકોમાં આવી ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી કોને નડે છે અને કોને નીવડે છે તે તો સમય જ બતાવશે

(10:46 AM IST)