તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 2nd September 2026
જ્ઞાન અને સેવાના માર્ગે ૮૦ વર્ષની સાર્થક યાત્રા : બગસરામાં પ્રખ્યાત શિક્ષણવિદ્ અને સમાજ ચિંતક પ્રવિણભાઈ ઠક્કરનો ભાવમિલન સમારોહ સંપન્ન
‘ઈચ્છા નહીં પણ પ્રબળ ઈચ્છાશક્તિ જ જીવનમાં મહત્વની’ : ૮૦ દીપકની રોશની, પ્રાર્થના અને સંસ્કાર રજૂઆતો સાથે શુભેચ્છકો દ્વારા મનોહર અભિવાદન કરાયું

બગસરા : અર્થશાસ્ત્રના ગહન અધ્યયન સાથે શિક્ષણ અને સમાજ ચિંતનના ક્ષેત્રે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર જાણીતા શિક્ષણવિદ્ પ્રવિણભાઈ ઠક્કરની ૮૦ વર્ષની સાર્થક જીવનયાત્રા નિમિત્તે બગસરા ખાતે એક ભાવમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવાત્સલ્ય માનવસેવા સંસ્થાના સંકલન સાથે યોજાયેલા આ પ્રોત્સાહક કાર્યક્રમમાં બગસરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામી લક્ષ્મી પ્રસાદજીએ દીપ પ્રાગટ્ય કરીને શુભભાવનાઓ વ્યક્ત કરી હતી. લોકદક્ષિણામૂર્તિ પરિવાર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકોએ પ્રવિણભાઈ ઠક્કરના જન્મદિવસ પ્રસંગે તેમનું ભાવભીનું અભિવાદન કર્યું હતું.
આ ભાવમિલન પ્રસંગે બાળકેળવણી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા ૮૦ દીપક પ્રગટાવવામાં આવ્યા હતા તેમજ પ્રાર્થના અને અભિનયની સુંદર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ તકે પોતાના અભિવાદન બદલ ખુશી અને રાજીપો વ્યક્ત કરતા પ્રવિણભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર ઈચ્છા હોવી પૂરતી નથી પરંતુ ઈચ્છાશક્તિ પ્રબળ હોવી ખૂબ મહત્વની છે. તેમણે લોકભારતી સણોસરા અને મનુભાઈ પંચોળી સાથેના પોતાના પ્રારંભિક જીવનના પ્રસંગોનો રસપ્રદ ઉલ્લેખ કર્યો હતો અને આવી પ્રેરણાદાયી સંસ્થાઓને સતત સહયોગ આપવા માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શિશુવિહાર ભાવનગરના નાનકભાઈ ભટ્ટ, દેવચંદભાઈ સાવલિયા, છાયાબેન પારેખ, નારેશભાઈ ભંડેરી, મેહુલભાઈ ભટ્ટ, ભાવનાબા જાડેજા, બિંદુબા ઝાલા, રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ પરિવારના સભ્યો કેતનાબેન ઠક્કર અને શિવાનીબેન ઠક્કરે પ્રવિણભાઈ ઠક્કરની પ્રેરક જીવન સાફલ્યગાથા રજૂ કરી હતી. આ ઉપરાંત મંદાકિનીબેન પુરોહિત, સુરશંગભાઈ ચૌહાણ અને જીજીભાઈ ચૌહાણ સહિતના અગ્રણી કાર્યકર્તાઓએ પણ તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્ર ભાઈ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકેળવણી મંદિર પરિવારના કાર્યકર્તાઓ દ્વારા સુંદર સંકલન કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રવિણાબેન વાઘાણી દ્વારા કરવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
