તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 1st September 2026
કચ્છ પર ઘેરાયા કુદરતી આફતના વાદળો: વરસાદની લાંબી ખેંચથી 'રામમોલ' ખેતરોમાં જ મુરઝાયા; જિલ્લામાં ૫૯ ટકા વરસાદની ભારે ખાધથી ખેડૂતો આર્થિક સંકટમાં!
૬૦ હજાર હેક્ટર નજીક થયેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ: એરંડાના પાકમાં ૭૫% નુકસાનની શંકા, દ્વારકા બાદ સમગ્ર રાજ્યમાં કચ્છ સૌથી ઓછો વરસાદ ધરાવતો બીજો જિલ્લો બન્યો

ભુજ, તા.૦૧: નૈઋત્યના ચોમાસાની મૌસમ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં મેઘરાજાની લાંબી ખેંચે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. વરસાદના અભાવે ખેતરોમાં ઊભેલો 'રામમોલ' (ચોમાસુ પાક) સુકાઈ રહ્યો છે. ભુજ તાલુકાની આહિરપટ્ટી સહિતના સમગ્ર વિસ્તારમાં ખેડૂતોનું લાખો રૂપિયાનું રોકાણ એળે જવાની અને તેઓ ભારે આર્થિક દેવામાં ધકેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સત્તાવાર આંકડા મુજબ, માત્ર ભુજ તાલુકામાં જ ૫૫,૫૫૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ ૨૨,૨૯૫ હેક્ટરમાં એરંડા, ૭,૭૯૧ હેક્ટરમાં મગફળી અને ૩,૦૨૬ હેક્ટરમાં શાકભાજી વાવવામાં આવ્યા છે.
આંકડાની નજરે કચ્છની કફોડી સ્થિતિ અને પાકને નુકસાન
- વરસાદની ૫૯% ની ભારે ખાધ: ભારતીય હવામાન વિભાગ (IMD) ના આંકડા મુજબ, ચોમાસાની મોસમમાં કચ્છમાં અત્યાર સુધી માત્ર ૧૩૬.૭ મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ ૩૩૪.૨ મીમી સામે ૫૯ ટકાની ભારે ખાધ દર્શાવે છે. ૫૭.૪ મીમી વરસાદ સાથે દેવભૂમિ દ્વારકા બાદ કચ્છ સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતો બીજો જિલ્લો બન્યો છે.
- એરંડા અને મગફળીને મોટો ફટકો: હાલ મગફળીમાં દાણો બેસવાની અને એરંડાના વિકાસ માટે અત્યંત સિઝન છે, પરંતુ સિંચાઈના પાણી વિના એરંડાના પાકમાં ૭૫ ટકા સુધીના નુકસાનની શક્યતા સેવાઈ રહી છે.
- શાકભાજીની ગુણવત્તા બગડી: ટામેટાં અને ફ્લાવર જેવા શાકભાજીની ગુણવત્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને માર્કેટ સુધી લઈ જવાના પરિવહન ખર્ચના પૈસા પણ છૂટા થાય તેમ નથી.
વાદળછાયા વાતાવરણ વચ્ચે રોગચાળાનું જોખમ
જૂન મહિનો કોરો ગયા બાદ જુલાઈના અંતમાં સામાન્ય વરસાદ થયો હતો, પરંતુ ઓગસ્ટ માસમાં સતત 'મોનસૂન બ્રેક' રહેતાં સ્થિતિ બોર્ડરલાઈન બની ગઈ છે. વાદળછાયા વાતાવરણ અને વાતાવરણમાં વધેલા ભેજના પ્રમાણને કારણે પાકેલા પાકમાં પણ વિવિધ રોગચાળો પેસી જવાની ભીતિ સર્જાઈ છે.
માત્ર કચ્છ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને મોટા વાવેતર ધરાવતા વિસ્તારોમાં પણ વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા ચરમસીમાએ પહોંચી છે. જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો ખેડૂતો માટે પાયમાલી નિશ્ચિત છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
