News of Sunday, 23rd August 2026
શિહોર વૈષ્ણવ સાધુ સમાજનું નવું સંગઠન જાહેર : વડીલો અને યુવાનોની સર્વસંમતિથી નવા હોદ્દેદારોની કરાઈ વરણી
સમાધિસ્થાનના વિકાસ, પરિવારો વચ્ચે પરસ્પર સંકલન તથા સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ માટે એકજૂથ થઈ કામગીરી કરવાનો કરાયો દ્રઢ સંકલ્પ

શિહોર: શિહોર શહેર વૈષ્ણવ સાધુ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક વડીલો અને યુવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ હતી, જેમાં સર્વસંમતિથી સમાજના નવા હોદ્દેદારોની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. આ નવી કારોબારીમાં પ્રમુખ તરીકે ભરતદાસજી હરજીવનદાસજી ગોંડલીયા, ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ કલ્યાણદાસજી દાણીધારીયા, મંત્રી તરીકે પરેશકુમાર મંછારામજી દુધરેજીયા તેમજ ખજાનચી તરીકે પરેશભાઈ આર. દુધરેજીયાની નિમણૂક કરવામાં આવી છે.
યોજાયેલી આ ખાસ બેઠકમાં સમાજના સમાધિસ્થાનના સર્વાંગી વિકાસ, વિવિધ પરિવારો વચ્ચે પરસ્પર સંકલન અને સહકાર વધારવા, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સામાજિક પ્રગતિ જેવા વિવિધ અગત્યના મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ તકે સમાજની વર્ષો જૂની ઐતિહાસિક અને આધ્યાત્મિક પરંપરાઓને જાળવી રાખીને આધુનિક સમય સાથે તાલમેલ સાધી સમાજનો ઉત્કર્ષ કરવા માટે એકજૂથ થઈને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સમાજના અગ્રણીઓ અને વડીલો કનુબાપુ દુધરેજીયા, રામેશ્વરબાપુ હરિયાણી, પ્રવીણબાપુ કાપડી, અરવિંદદાસજી દાણીધારીયા સહિત મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
