News of Thursday, 6th August 2026
ભાવનગર બાદ પૂર્વ કચ્છ પોલીસનો આકરો ફટકો : રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોના તસ્કર પિન્ટુ યાદવની રૂ. 22.31 લાખની સ્થાવર-જંગમ મિલકતો જપ્ત
ગેરકાયદે કમાણી સામે લાલ આંખ : મુંબઈની કૉમ્પિટેન્ટ ઓથોરિટીએ સેફેમા અને એનડીપીએસ એક્ટ હેઠળ 15 લાખનું મકાન તથા વાહનો જપ્ત કરવાનો આદેશ આપ્યો : છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસની આ પ્રથમ મોટી સફળતા

રાજકોટ : ગુજરાત સરકાર અને પોલીસ મહાનિર્દેશક તરફથી માદક પદાર્થોની ગેરકાયદે હેરફેર, વેચાણ તથા સેવનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અને યુવાધનને બચાવવા આકરા આદેશો આપવામાં આવ્યા છે. માદક પદાર્થોના ગેરકાયદે વેચાણથી ઉભા કરાયેલા આવકના સ્ત્રોતમાંથી પોતાના તથા પરિવારના નામે વસાવેલી મિલકતો જપ્ત કરવાની ઝુંબેશ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ વિભાગ દ્વારા મોટી અને ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે.
એનડીપીએસ ગુનાના આરોપી દ્વારા ગેરકાયદેસર કમાણીમાંથી વસાવવામાં આવેલી કુલ રૂ. 22,31,000 ની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવાનો સત્તાવાર હુકમ 'કૉમ્પિટેન્ટ ઓથોરિટી સેફેમા/એનડીપીએસએ મુંબઈ' દ્વારા 3 ઓગસ્ટ 2026 ના રોજ જારી કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં ગુજરાતના કોઈ પણ પોલીસ યુનિટ દ્વારા આ પ્રકારે મિલકત જપ્તીની કરવામાં આવેલી આ પ્રથમ સિદ્ધિરૂપ કામગીરી છે.
આરોપી પિન્ટુ યાદવનો ગુનાહિત ઇતિહાસ અને કાળી કમાણી:
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિહારના (ગામ નાન્હકર, પોસ્ટ ધરમપુર રતી જયરામપુર, ભાગલપુર) અને હાલ અંજારના વર્ષામેડી ખાતે રહેતા તથા ગળપાદર જિલ્લા જેલમાં બંધ આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 196/2025 હેઠળ 140.700 કિલોગ્રામ કમર્શિયલ જથ્થાના ગાંજાનો રૂ. 14,07,000 ની કિંમતનો ગુનો નોંધાયેલો છે.
આ ઉપરાંત મજકુર આરોપી સામે અગાઉ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં ગુના નંબર 3081/2018 (1.460 કિગ્રા ગાંજો, કિંમત રૂ. 8,760) અને 3082/2018 (1.572 કિગ્રા ગાંજો, કિંમત રૂ. 9,432) તેમજ અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં ગુના નંબર 473/2022 (3.538 કિગ્રા ગાંજો, કિંમત રૂ. 35,380) નોંધાયેલા છે. આરોપી સામે વર્ષ 2020 માં પીટ એનડીપીએસ દરખાસ્ત ક્રમાંક 01/2020 હેઠળ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા 30 ઓક્ટોબર 2020 ના રોજ અટકાયતી પગલાં લઈ જૂનાગઢ જેલ હવાલે પણ કરવામાં આવ્યો હતો.
પોલીસ તંત્રની મજબૂત કાયદાકીય રજૂઆત:
આરોપીએ 30 ઓક્ટોબર 2020 ના રોજ પીટ હેઠળ થયેલી અટકાયત પહેલાં માદક પદાર્થોના ગેરકાયદે વેચાણમાંથી ઊભી કરેલી કાળી કમાણી દ્વારા પોતાના અને પરિવારના સભ્યોના નામે મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના નિર્દેશ મુજબ અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસઓજીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલા, હાલના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર અને એસઓજી સ્ટાફ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 68(એચ) મુજબ મિલકત જપ્તીની દરખાસ્ત તૈયાર કરીને 20 જાન્યુઆરી 2026 ના રોજ 'કૉમ્પિટેન્ટ ઓથોરિટી સેફેમા/એનડીપીએસએ મુંબઈ' ખાતે મોકલવામાં આવી હતી. ઓથોરિટી દ્વારા સામાવાળાને મિલકતો કાયદેસરની આવકમાંથી વસાવી છે તે સાબિત કરવાની તક આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પૂર્વ કચ્છ પોલીસે પોતાનો પક્ષ અત્યંત મજબૂત રીતે રાખ્યો હતો, જ્યારે સામાવાળા મિલકતો કાયદેસરની આવકમાંથી ખરીદી હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આથી ઓથોરિટીએ 3 ઓગસ્ટ 2026 ના રોજ એનડીપીએસ એક્ટની કલમ 68-આઈ અને 68-યુ મુજબ મિલકતો જપ્ત કરવાનો આદેશ કર્યો છે.
જપ્ત કરાયેલી મિલકતોની સંપૂર્ણ વિગત:
સ્થાવર મિલકત:
અંજાર તાલુકાના વર્ષામેડી સીમના રેવન્યુ સર્વે નંબર 547 ની જમીનમાં આવેલ 54.33 ચોરસ મીટર (65.01 ચોરસ વાર) ક્ષેત્રફળ ધરાવતું રહેણાંક મકાન નંબર 63. આ મિલકત આરોપીની પત્ની શ્રીમતી ઉષા દેવી (રહે. વર્ષામેડી, અંજાર, મૂળ રહે. નાન્હકર, પોસ્ટ ધરમપુર રતી જયરામપુર, ભાગલપુર, બિહાર) ના નામે છે. જેની અંદાજિત કિંમત રૂ. 15,00,000 છે.
જંગમ મિલકતો (વાહનો):
1. રેનો ટ્રાઇબર RXT કાર (રજિસ્ટ્રેશન નંબર: GJ 12 EE 2331, ચેસિસ નંબર: MEERBC005L2037475, એન્જિન નંબર: B4DA417E009976) - પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવના નામે, અંદાજિત કિંમત રૂ. 6,25,000.
2. હીરો ડેસ્ટિની મોટરસાઇકલ (રજિસ્ટ્રેશન નંબર: GJ 12 DQ 7040, ચેસિસ નંબર: MBLJFN046KGA04389, એન્જિન નંબર: JF17EJKGA08396) - પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવના નામે, અંદાજિત કિંમત રૂ. 54,000.
3. હોન્ડા એક્ટિવા 3G સ્કૂટર (રજિસ્ટ્રેશન નંબર: GJ 12 DC 8923, ચેસિસ નંબર: ME4JF509LG7023856, એન્જિન નંબર: JF50E76023787) - પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવના નામે, અંદાજિત કિંમત રૂ. 52,000.
પૂર્વ કચ્છ પોલીસની આ સફળ અને ધાકડાopt કાર્યવાહીથી માદક પદાર્થોની તસ્કરી અને વેચાણ કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
