<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

મોરબીના સીરામીક ઉદ્યોગમાંથી ઓર્ડર ન મળતા પેકેજીંગ ઉદ્યોગના મોટાભાગના યુનિટ બંધ, આર્થિક સંકટના વાદળ ઘેરાયા

450 જેટલા સિરામિકના કારખાના છેલ્લા 15 દિવસની અંદર ગેસના અભાવના કારણે બંધ થયા: પેકિંગ માટે પેકેજીંગ યુનિટમાંથી આવતા બોક્સનો ઉપયોગ બંધ થયા અને નવા ઓર્ડર આવવાના બંધ થઈ ગયા

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ પેકેજીંગ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે અને પેકેજીંગના યુનિટો પણ સિરામિક ઉદ્યોગમાંથી ઓર્ડર ન મળવાના કારણે બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને હાલમાં શ્રમિકો ઉપર રોજગારીનું સંકટ આવી પડ્યું છે અને ભવિષ્યમાં કારખાનેદારો ઉપર આર્થિક બોજો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

   મોરબીની આસપાસના વિસ્તારમાં પેકેજીંગના નાના-મોટા કુલ મળીને 192 જેટલા યુનિટો આવેલા છે અને તે યુનિટોમાંથી મોટાભાગના પેકેજીંગના યુનિટો મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આધારિત હતા કેમકે તેઓના કારખાના ની અંદર જે માલનું ઉત્પાદન થતું હતું તે માલની સપ્લાય મોરબીની આસપાસના સિરામિક કારખાનામાં બનતી સિરામિક પ્રોડક્ટના પેકિંગ માટે થઈને થતી હતી જોકે સીરામીકના કારખાના છેલ્લા 15 દિવસમાં ક્રમશઃ બંધ થઈ રહ્યા છે જેની સીધી અસર હવે પેકેજીંગ ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે અને પેકેજીંગના કારખાનાઓમાં 24 કલાક 30 દિવસ જે કામ મળતું હતું તેની બદલે અઠવાડિયાના માત્ર ત્રણથી ચાર દિવસ અને તે પણ 12 કલાક યુનિટ ચાલે તેટલી જ કામગીરી રહી છે તેવી માહિતી મોરબી પેકેજીંગ એસો.ના પ્રમુખ પાર્થભાઈ બારૈયાએ આપી છે.
  મોરબીમાં સીરામીકના કારખાનાઓમાંથી લગભગ 450 જેટલા સિરામિકના કારખાના છેલ્લા 15 દિવસની અંદર ગેસના અભાવના કારણે બંધ થયા છે જેથી સીરામીક પ્રોડક્ટના પેકિંગ માટે પેકેજીંગ યુનિટમાંથી આવતા બોક્સનો ઉપયોગ બંધ થઈ ગયો છે અને નવા ઓર્ડર આવવાના બંધ થઈ ગયા છે જેથી મોરબીની આસપાસમાં આવેલા 192 જેટલા પેકિંજિંગના કારખાનામાંથી મોટાભાગના કારખાના હાલમાં બંધ જેવી સ્થિતિમાં આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આવીને આવી પરિસ્થિતિ યુધ્ધના લીધે લાંબો સમય સુધી રહેશે તો ઉદ્યોગોકારોએ પોતાના યુનિટ ચાલુ કરવા માટે થઈને જે બેંકની લોનો લીધી હોય તેના હપ્તા ભરવા સહિતના આર્થિક બોજો વધી શકે છે

(11:51 AM IST)