News of Monday, 16th March 2026
અમરેલી જીલ્લાની અસ્મિતાના ચાર અમર સ્તંભઃ સાહિત્યના આભમાં ઝળહળતી ગુજરાતની ‘ચાર પાઘડી'નો અણમોલ વારસો

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ વિશ્વના નકશા પર જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં જ્યારે પણ કલા અને સાહિત્યની ગોષ્ઠિ થાય ત્યારે અમરેલી જિલ્લાની આ ધરોહર અચૂક યાદ આવે છે. અમરેલીની માટીએ સાહિત્ય જગતને એવી ચાર વિભૂતિઓ આપી છે, જેમને લોકજીભે સાહિત્યની ચાર પાઘડી તરીકેનું બહુમાન મળ્યું છે. ઝવેરચંદ મેઘાણી, કવિ કાગ, કાનજી ભૂટા બારોટ અને કવિ કલાપી - આ ચાર સ્તંભોએ માત્ર અક્ષરદેહ જ નથી ઘડ્યો, પણ ગુજરાતની સંસ્કળતિને જીવંત રાખી છે. તાજેતરમાં જ્યારે પૂજ્ય મોરારીબાપુના મુખેથી ‘માનસ મેઘાણી' કથાનું ગાન થયું, ત્યારે અમરેલીની આ ઐતિહાસિક વિરાસત ફરી એકવાર લોકમાનસમાં જીવંત બની ગઈ. લોકસાહિત્યના ‘ભીષ્મ પિતામહ' તરીકે પૂજાતા ઝવેરચંદ મેઘાણીએ અમરેલી અને સમગ્ર સૌરાષ્ટ્રના ખૂણેખૂણે ભ્રમણ કરીને શૌર્યકથાઓ અને સામાજિક કથાઓનો જે ખજાનો પીરસ્યો છે, તે આજે પણ યુવા પેઢીના લોહીમાં જોમ ભરે છે. મેઘાણીએ કલમ દ્વારા જે ઈતિહાસ આલેખ્યો, તેને કાનજી ભૂટા બારોટે પોતાના બુલંદ સૂરોથી જીવંત કર્યો. કાનજીબાપાના અવાજે લોકવાર્તાઓને સાચો દેહ આપ્યો અને વિશ્વભરમાં ગુજરાતી કંઠને ગુંજતો કર્યો. આ સાહિત્યિક સંગમમાં ‘ભગત બાપુ' દુલા ભાયા કાગની અમર વાણી અને ‘રાજવી કવિ' કલાપીના સંવેદનાભર્યા કાવ્યોનો ફાળો પણ એટલો જ અજોડ છે. કાગબાપુના ભજનો અને કલાપીની ગઝલ-કવિતાઓએ અમરેલીના સાહિત્યિક યોગદાનને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકયું છે. આ હસ્તપ્રત આપણને યાદ અપાવે છે કે ‘વીર માંગડાવાળા' વીર રામવાળા, ‘દાન મહારાજ' દસ્તાવેજ જેવિ કથાઓ અને પાત્રો આજે પણ સાહિત્યપ્રેમીઓના હૃદયમાં જીવંત છે. ખરેખર, આ કોઈ સામાન્ય નામો નથી, પણ અમરેલી જિલ્લાની શાન વધારતી સાહિત્યરૂપી પાઘડીઓ છે. સાહિત્યના આ મહાકુંભમાં અમરેલીનું આ અવિસ્મરણીય પ્રદાન છે. વિશ્વ આખાના ગુજરાતીઓ આજે આ ઝવેરચંદ મેઘાણી, કવી કાગ, કાનજી ભુટા બારોટ અને કવિ કલાપી સહિત ચાર સાહિત્યિક પાઘડીઓના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરી રહ્યા છે. આ અમર વારસો આપણી આવતીકાલ માટે એક અનમોલ ધરોહર સમાન છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
