તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 23rd February 2026
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં 'વાંકાનેર વરીયર્સ' ચેમ્પિયન.
ફાઈનલ મેચમાં 'વાંકાનેર વરીયર્સ' ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબ્જો જમાવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવના ઉજાગર કરવાના શુભ આશયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં શિક્ષકો માટે એક શાનદાર ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેચમાં 'વાંકાનેર વરીયર્સ' ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો.
આ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ ગત તા. ર૧/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:00 કલાકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન જે. પારેધી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન. મહેતાના વરદ હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ તકે અતિથિ વિશેષ તરીકે મોરબી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણબેન જયેશભાઈ રાઠોડ, નવા નાગડાવાસના સુખાભાઈ ડાંગર, મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર, ગુજરાત રાજ્ય પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના પૂર્વ પ્રમુખો ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મણિલાલ વી. સરડવા ઉપરાંત તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો અને બી.આર.સી. કો-ઓર્ડિનેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાભરમાંથી કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં (૧) બેંગ બેંગ ઈલેવન-ટંકારા (ર) વાંકાનેર વરીયર્સ (૩) સુપર ઇલેવન-મો૨બી (૪) માસ્તર ઇલેવન-માળીયા (૫) બ્લેક બર્ડ ઇલેવન-મોરબી અને (૬) હળવદ હરિકેન્સે મેદાનમાં ઉતરીને પોતાના કૌશલ્યનો પરચો બતાવ્યો હતો. જેમાંથી ખરાખરીના જંગ બાદ 'માસ્તર ઇલેવન' અને 'વાંકાનેર વરીયર્સ' ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલ મેચમાં વાંકાનેર વરીયર્સે બાજી મારીને વિજેતાનો તાજ પહેર્યો હતો.
ટુર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ તા. રર/૦ર/૨૦૨૬ ના રોજ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ બી. ગાંભવા અને હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ધનજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ, રનર્સ અપ અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
