તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 22nd February 2026
આરોપી મહિલાએ વોટ્સએપ કોલ દ્વારા વેપારી સાથે ઓળખાણ વધારી, મીઠી વાતો કરીને વિશ્વાસ જીત્યો અને પછી તેને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો અને પહેલેથી ગોઠવાયેલ જાળમાં ફસાઈ ગયો : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર હનીટ્રેપના નામે અપહરણ અને ખંડણીનો ગંભીર ગુનો
પોલીસે આરોપીઓ પાસેથી 72 લાખ રૂપિયા રોકડા, એક રિવોલ્વર, એક જીવતું કારતુસ અને એક અલ્ટો કાર જપ્ત કરી : પોલીસની તાત્કાલિક કાર્યવાહી કરીને 72 લાખ રોકડા સહિત મુદ્દામાલ જપ્ત

વઢવાણ તા.૨૨ : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર હની ટ્રેપના નામે અપહરણ અને ખંડણીનો ગંભીર ગુનો સામે આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ સાણંદના જમીન લે-વેચાણના ધંધા સાથે સંકળાયેલા એક વેપારીને પૂર્વયોજિત ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો હતો. આરોપી મહિલાએ વોટ્સએપ કોલ દ્વારા વેપારી સાથે ઓળખાણ વધારી, મીઠી વાતો કરીને વિશ્વાસ જીત્યો અને પછી તેને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. વેપારી ત્યાં પહોંચતા જ પહેલેથી ગોઠવાયેલ જાળમાં ફસાઈ ગયો હતો.
અશ્લીલ વીડિયો બનાવીને આપી ધમકી, બે કરોડની માંગ
આરોપીઓએ વેપારીને એક મકાનમાં લઈ જઈ તેનો અશ્લીલ વિડિયો બનાવ્યો હતો. ત્યારબાદ અચાનક અન્ય શખ્સો અંદર ઘૂસી આવ્યા અને રિવોલ્વર બતાવી તેને ધમકાવ્યો હતો. વેપારીનું અપહરણ કરી પાટડી તરફ રણ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી બે કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જીવના ભય વચ્ચે વેપારીએ પરિવારજનો સાથે સંપર્ક કર્યો અને એક કરોડ રૂપિયા એકઠા કરીને આરોપીઓને આપ્યા બાદ તેનો છૂટકારો થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જમીન સોદાના કારણે વેપારી પાસે નાણાં હોવાની જાણકારીના આધારે આ સમગ્ર કાવતરું રચાયું હતું.
ઘટના બાદ વેપારીએ હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસ અને LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓ પાસેથી 72 લાખ રૂપિયા રોકડા, એક રિવોલ્વર, એક જીવતું કારતુસ અને એક અલ્ટો કાર જપ્ત કરી છે. ખંડણીની રકમમાંથી ભાગ પણ પાડી દેવામાં આવ્યો હતો તેવું તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓ સામે કડક કાર્યવાહી, બાકી આરોપીઓની શોધખોળ
આ કેસમાં તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (અખીયાણા, તા. પાટડી), સાહીલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક (માલવણ, તા. પાટડી), આશીફખાન મોહબતખાન મલેક (અખીયાણા, તા. પાટડી), અરબાઝખાન હયાતખાન મલેક (અખીયાણા, તા. પાટડી) અને અમન (ઇંગરોડી, તા. લખતર)ના નામ સામે આવ્યા છે. જેમાંથી કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અરબાઝખાન અને અમન હાલ પકડવાના બાકી છે. જિલ્લા પોલીસ દ્વારા બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા તીવ્ર ચકાસણી હાથ ધરાઈ છે. પોલીસએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હની ટ્રેપ, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને કોઈ પણ સંજોગોમાં બખ્શવામાં નહીં આવે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
