<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રાજુલાની કાન્‍હા વિશ્વ વિદ્યાલયની ધોરણ ૧ થી ૮ની માન્‍યતા રદ, તમામ વર્ગો બંધ કરવાનો હુકમ

ખોટા દસ્‍તાવેજો અને ગંભીર અનિયમિતતા મામલે શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા તા. ૧૦:  તા. ૨/૬/૨૦૨૫ અને તા. ૯/૬/૨૦૨૫ના રોજ જગદીશભાઈ ઝાંખરા દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદોથી થઈ હતી. ફરિયાદમાં કાન્‍હા વિશ્વ વિદ્યાલય દ્વારા શાળા ચલાવવા માટે જરૂરી મંજૂરીઓ તથા દસ્‍તાવેજોમાં અનિયમિતતા અને ખોટા દસ્‍તાવેજો રજૂ કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્‍યા હતા. ફરિયાદને ધ્‍યાનમાં લઈ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, રાજુલાને સ્‍થળ તપાસ કરી સ્‍પષ્ટ અભિપ્રાય સાથે અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

તપાસ દરમિયાન શાળા સંચાલક દ્વારા ભાડા કરાર, જમીનના નકશા તેમજ બાંધકામ માટેની મંજૂરીના ઓરિજિનલ દસ્‍તાવેજો રૂબરૂ તપાસ સમયે રજૂ કરવામાં આવ્‍યા નહોતા. વધુમાં, શાળા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર, રાજુલા કચેરીનું B.U.P. સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્‍યું હતું, પરંતુ તેની તપાસ કરતાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું હતું કે આવું કોઈ સર્ટિફિકેટ તેમની કચેરીના અધિકળત રેકોર્ડમાં ઉપલબ્‍ધ નથી. આ બાબતે દસ્‍તાવેજોની સચાઈ ઉપર ગંભીર શંકા ઊભી થઈ હતી.

સમિતિના અહેવાલ અને સમયમર્યાદા છતાં આધાર પુરાવાઓ પૂરતા પ્રમાણમાં રજૂ ન થતાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગરને શાળાની માન્‍યતા પાછી ખેંચવા માટે દરખાસ્‍ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્‍તના અનુસંધાને નિયામકશ્રી દ્વારા શાળામાં થયેલી અનિયમિતતાઓને ધ્‍યાને લઈ શૈક્ષણિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

અંતે તમામ કાર્યવાહી, અહેવાલો અને નિયમોને ધ્‍યાનમાં લઈ RTE Rules ૨૦૧૨ના નિયમ ૧૪(૩) મુજબ કાન્‍હા વિશ્વ વિદ્યાલયની માન્‍યતા રદ કરવાની પ્રક્રિયા હેઠળ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી દ્વારા તા. ૩/૨/૨૦૨૬ના રોજ ધોરણ ૧થી ૮ સુધીના તમામ વર્ગો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી ખાનગી શાળાઓ ચલાવતા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

શાળાને મંજૂરી અપાતી વખતે ખોટા દસ્‍તાવેજો રજૂ કરવાના મામલે આવનારા દિવસોમાં શાળાના ટ્રસ્‍ટીઓ, સંચાલકો તેમજ ખોટા દસ્‍તાવેજો બનાવવામાં સહાય કરનારાઓ સામે ફોજદારી ગુન્‍હો દાખલ થવાની પૂરી સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી એક સ્‍પષ્ટ સંદેશ આપે છે કે શિક્ષણ ક્ષેત્રમાં નિયમો સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ચલાવાશે નહીં અને વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે ખેલ કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી જરૂરી છે. 

(11:59 AM IST)