<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

કચ્છમાં બાકી લેણાં વસુલવા પીજીવીસીએલની મેગા ડ્રાઇવ: ૨.૭૭ કરોડની વસુલાત : ૯૧૩ કનેક્શન કટ

૨૫૨૦ નું બાકી લીસ્ટ, ૪૦૦ કર્મચારીઓ વસુલાત ઝુંબેશમાં જોડાયા : અંજાર તથા ભુજ વર્તુળની ૧૪૫ જેટલી ટીમોમા ૪૦૦ થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ, લાઈન સ્ટાફ દ્વારા કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ., ભુજ વર્તુળ કચેરી દ્વારા ​તા: ૩૦/૦૧/૨૬ ના રોજ વીજ-બીલના બાકી રહેતા નાણાં ભરપાઈ ન થવાને કારણે મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યમાં અંજાર વર્તુળ તથા ભુજ વર્તુળની ૧૪૫ જેટલી ટીમો તૈયાર કરવામાં આવેલ. જેમાં આશરે ૪૦૦ થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ, લાઈન સ્ટાફ વિ.નો સમાવેશ થયેલ.

​ભુજ વિભાગીય કચેરી ખાતે ખાસ કિસ્સાઓમાં ભુજ શહેર-૧, ભુજ શહેર-૨, ભુજ ગ્રામ્ય, કુકમા તથા ભુજોડી વિસ્તારમાં વધુ રકમ ધરાવતા વિવિધ ટેરિફના વીજ ગ્રાહકોના વીજ જોડાણો કાપવામાં આવેલ હતા. આશરે ૨૫૨૦ જેટલા ડીસકનેક્શન મેમો તૈયાર કરવામાં આવેલ. આ ઝુંબેશ દરમ્યાન ૯૧૩ વીજ કનેક્શન કપાયા હતા અને ૨.૭૭ કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ હતી. પી.જી.વી.સી.એલ. ની તેમના ગ્રાહકોને આ સાથે અપીલ કરવામાં આવેલ છે કે આપના બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલિક ભરી દેવા અને ડીસકનેક્શન તથા રિકનેક્શનની કાર્યવાહીથી મુક્ત થવું.

​પીજીવીસીએલ દ્વારા ઓન-લાઈન પેમેન્ટની ઘણી બધી સુવિધાઓ જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, બેંક એપ્લિકેશન બિલર, નેટ બેન્કિંગ, ECS નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી પેમેન્ટ કરવા જણાવાયું છે.

(9:38 AM IST)