<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ : જિલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોના બલિદાનને યાદ કરાયું : જુઓ વિડીયો

માત્ર જિલ્લા મથકે જ નહીં, પરંતુ જામનગર જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ, તાલુકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં પણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

​(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦  : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦ જાન્યુઆરી 'શહીદ દિવસ' નિમિત્તે સમગ્ર જામનગર જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા.

જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી હતી.

આ અવસરે જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર  કેતન ઠક્કર તથા ઇ. નિવાસી અધિક કલેકટર શારદા કાથડની વિશેષ ઉપસ્થિતિમાં મૌન પાળવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ એકત્રિત થઈ દેશની આઝાદી અને સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

માત્ર જિલ્લા મથકે જ નહીં, પરંતુ જામનગર જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ, તાલુકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં પણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત સૌ કોઈએ દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે શહીદોના આદર્શો પર ચાલવાની અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.

(3:32 PM IST)