<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

પાળ ગામે વાડીના કર્મચારીને કારથી આંતરી ગાળો દઇ બેફામ મારકુટઃ ૪ શખ્‍સો સામે ગુનો

શેઠની વાડીના કેમેરા કોઇને તોડી નાંખ્‍યા હોઇ તે જોવા જતો હતો ત્‍યારે બનાવઃ મારકુટ બાદ મેહુલ માટીયા નામના બે શખ્‍સો સહિતે ‘હવે આ વાડી બાજુ દેખાયો તો જીવતો નહીં છોડીએ' કહી ધમકી દીધી

 

 

રાજકોટ તા. ૧૫: રાજકોટ જલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામે આવેલી એક વાડીની દેખભાળ કરતા કર્મચારીને ગેરકાયદેસર રીતે રોકી, ગાળો આપી, લાકડી અને પટ્ટા વડે માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ચાર અજાણ્‍યા સહિતની સામે લોધીકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના પાળથી જશવંતપુર તરફ જતા રોડ પર બની હતી.

જાણવા મળ્‍યા મુજબ નિલેશભાઈ દિલીપભાઈ ચાંડપા (ઉ.વ. ૨૮, ધંધો-મજુરી, રહે. પાળ) છેલ્લા બે વર્ષથી અમિશભાઈ કિશોરભાઈ રામાણીની પાળ ખાતે આવેલી વાડીમાં દેખભાળનું કામ કરે છે. તા. ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રિ દરમિયાન વાડીમાં લગાવેલા કેમેરા કોઈએ તોડી નાખ્‍યા હોવાની જાણ થતાં નિલેશભાઈ સવારે આશરે સાડા આઠેક વાગ્‍યાના સુમારે પોતાની મોટરસાયકલ પર વાડીએ જવા નીકળેલ હતો. પાળથી જશવંતપુર જતા રોડ પર, ગામના મેહુલભાઈ ડાયાભાઈ માટીયા તેમજ અન્‍ય ત્રણેક જેટલા શખ્‍સોએ એક સફેદ કલરની ફોર્ચ્‍યુનર કાર અને કાળા કલરની કિયા કાર સાથે ઊભા હતા. તેમણે નિલેશભાઈને ગેરકાયદેસર રીતે રોકીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

નિલેશભાઈની ફરિયાદ મુજબ મેહુલ ડાયાભાઈ માટીયાએ તેમને વાડીએ જવાની ના પાડી હતી. ત્‍યારબાદ અન્‍ય ઈસમોએ તેમના હાથમાં રહેલી લાકડી વડે નિલેશભાઈના શરીરના બરડાના ભાગે અને અન્‍ય ભાગો પર મૂંઢ માર માર્યો હતો. તેમાંથી બે વ્‍યક્‍તિઓએ તેમને પકડી રાખ્‍યા હતા અને મેહુલભાઈએ પોતાના હાથમાં રહેલા પટ્ટા વડે પણ માર માર્યો હતો. હુમલાખોરોએ નિલેશભાઈની મોટરસાયકલ અને મોબાઈલ પણ છીનવી લીધા હતા અને તેમને રોડ પર ગેરકાયદેસર રીતે બેસાડી રાખ્‍યા હતા.

આ પછી આશરે અડધા કલાક બાદ, હુમલાખોરો મોબાઈલ અને ચાવી જમીન પર ફેંકીને જતા રહ્યા હતા. જતા પહેલા તેમાંથી એક શખ્‍સે પોતાનું નામ મેહુલ અરજણભાઈ માટીયા (રહે. જશવંતપુર) જણાવ્‍યું હતું અને ધમકી આપી હતી કે ૅઆ વાડી અમારી છે, જો આ વાડી બાજુ બીજી વાર આવ્‍યો છે તો તને જીવતો નહીં છોડીએ. તેમજ વાડીમાં જેટલી વાર કેમેરા લગાવશો તેટલી વાર તોડી નાખીશું. ઘટના બાદ નિલેશભાઈએ પોતાના શેઠના કર્મચારી ધવલભાઈ મકવાણા અને પોતાના ભાઈ વિક્રમભાઈ ચાંડપાને ફોન કરીને બનાવની જાણ કરી હતી. શરીરમાં દુખાવો થતા તે રાજકોટની સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ થયા બાદ નિલેશભાઈ પોતાના ભાઈ, શેઠ અમિશભાઈ રામાણી અને ધવલભાઈ સાથે લોધીકા પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતા અને મેહુલ ડાયાભાઈ માટીયા, મેહુલ અરજણભાઈ માટીયા અને અન્‍ય બે અજાણ્‍યા શખ્‍સો આસી સબ ઇન્‍સ એમ.બી. કટેશિયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

(11:18 AM IST)