News of Thursday, 10th July 2025
સુરેન્દ્રનગરના મૂળચંદ પાસેના નર્મદા કેનાલ ઉપરના પુલ પર ડાયવર્ઝન અપાયો પરંતુ જર્જરિત અને જોખમી હોવાથી લોકો તેમજ વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે : કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની ?
તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ : સુરેન્દ્રનગર થી રાજપર, બાળા, મૂળચંદ સહિતના વિસ્તારને આ રોડ જોડતો હોય અને નાના મોટા વાહનો પસાર થાય છે લોકોને ટ્રાફિકના કારણે ભારે હાલાકી

સુરેન્દ્રનગર-વઢવાણ તા.૧૦ : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર દુધરેજ ગામ પાસે હાઈવે પર પુલ બનાવવામાં આવ્યો છે. અંદાજે બે મહિના પહેલા આ પુલ બંધ કરવામાં આવ્યો હતો જેને લઇ બંને સાઈડ આવક અને જાવક માટે ડાયવર્ઝન અપાયા છે. પરંતુ મૂળચંદ પાસેના નર્મદા કેનાલ ઉપરના પુલ પર ડાયવર્ઝન અપાયો ત્યારે આ પુલ પણ અતિ જર્જરિત અને જોખમી હોવાથી લોકો તેમજ વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. હવે અહીં સવાલ એ ઉદ્ભવે છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની?.ત્યારે સ્થાનિકોએ હાલ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી દુધરેજ નર્મદા કેનાલ પરના પુલ પરનો આ હાઇવે સુરેન્દ્રનગર થી કચ્છ, મોરબી, ધ્રાંગધ્રા, પાટડી સહિતના વિસ્તારને જોડતો હાઇવે રોડ છે. આ રોડ ઉપરથી દિવસ તેમજ રાત્રિ દરમિયાન હજારો નાના-મોટા અને ભારે વાહનો પસાર થાય છે. થોડા મહિના અગાઉ આ પુલ ઉપર ગાબડું પડ્યું હતું તંત્ર દ્વારા તેના રીપેરીંગને લઈ વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે આ ડાયવર્ઝન નર્મદા કેનાલના મૂળચંદ પાસે આવેલ પુલ પરથી સુરેન્દ્રનગર તરફ અને દુધરેજ ગામ પાસેથી ધ્રાંગધ્રા તરફ બે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ત્યારે મૂળચંદ રોડ પર નર્મદા કેનાલ પર આવેલ પુલ અતિ જર્જરિત અને જોખમી હોવાથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને આ પુલ પર કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ...? તેવું સ્થાનિક લોકો અને વાહન ચાલકો જણાવી રહ્યા છે.
તંત્ર દ્વારા જ્યારે પણ ડાયવર્ઝન આપવામાં આવે છે ત્યારે આ ડાયવર્ઝન પર રસ્તો ખરાબ હોવાને લઈ મોટી ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે સુરેન્દ્રનગર થી રાજપર, બાળા, મૂળચંદ સહિતના વિસ્તારને આ રોડ જોડતો હોય અને નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે લોકો ટ્રાફિકના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
