<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સુખી-સમૃદ્ધ અને સમરસ ગામ રસુલપરા (ગીર)ના સરપંચપદે સતત બીજી ટર્મમાં ગીતાબેન વાઢેરઃ આઠ સભ્‍યોમાં પણ મહિલાઓની પસંદગી

ગીરના જંગલ વચ્‍ચે ૧૫૦૦ની વસ્‍તીવાળું ગામ પ્રાથમિક તમામ સુવિધાથી સજ્જઃ ૯૦ ટકા જમીનમાં કેસર કેરીના બગીચાઃ સમસ્‍ત ગામે ચૂંટણી ટાળી સમરસ ગ્રામ પંચાયત નક્કી કરી ગામનુ સુકાન મહિલાઓને સોંપ્‍યુઃ પ્રેરણારૂપ સરાહનીય નિર્ણય

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૬: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના છેવાડે ગીરના જંગલમાં આવેલ સુખી, સમળદ્ધ સમરસ થયેલ રસુલપરા ગીર ગામનો વહીવટ ગામના બહેનો કરશે. ત્રણ વર્ષના વહીવટદાર શાસન બાદ ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ગામના તમાંમ સમાજના અગ્રણીઓએ સાથે મળી ગામમાં ચુંટણી કરવાનાં બદલે ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો સાથે સાથે ગામનું સુકાન ગામના જાગળત અને કાર્યદક્ષ મહિલાને સોંપવા પણ આયોજન કર્યું હતું જેના અંતર્ગત સરપંચ તથા પંચાયતના આઠ વોર્ડ ઉપર ગામના નવ બહેનોની સર્વાનુમતે પસંદગી કરી સમરસ ગામનું સુકાન ગામની બહેનોને સોંપ્‍યું હતું.

ગીરના જંગલની વચ્‍ચે આવેલ ૧૫૦૦ની વસ્‍તી વાળું રસુલપરા ગીર ગામ...અધતન ગૌશાળા, સુવિધાપૂર્ણ પ્રાથમિક શાળા, પાકા મઢેલા ગામના માર્ગો, ગામના શેરી મહોલ્લા રાત્રે ઝળહળતાં રાખવાં સોલાર લાઈટ, તમાંમ પરિવારોને ઘરબેઠા ૨૪ કલાક પીવાનું પાણી સહિતની સંપૂર્ણ સુવિધાથી સજ્જ છે. એકતા અને ભાઈચારાની ઉમદા ભાવનાથી ઓપતા રસુલપરા ગીર ગામની કુલ ખેડવાણલાયક જમીન પૈકી ૯૦ ટકા ખેતિની જમીન ઉપર કેસર કેરીના બગીચા પથરાયેલ છે. મોટાભાગની પ્રાથમિક તમાંમ સવલતો ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી રહી છે.ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે પસંદગી પામેલ ગીતાબેન નરેન્‍દ્રભાઈ વાઢેર ગત પાંચ વર્ષ દરમ્‍યાન પણ સરપંચ તરીકે સફળ કામગીરી કરી હતી. આગામી પાંચ વર્ષ દરમ્‍યાન સમરસ ગ્રામ પંચાયતની આખી બોડી ઉપર ગ્રામજનોએ બહેનોની પસંદગી કરી હોય ગામનું સુકાન નવ બહેનો સંભાળશે. રસુલપરા ગીર ગામના પ્રેરણાદાયી નિર્ણયને તાલાલા પંથકના લોકોએ ઉમળકાભેર આવકારી સૌ પ્રશંસા કરી રહ્યા છે.

રસુલપરા ગીર ગામની સમરસ પંચાયતના પદાધિકારીઓની વિગતો આ પ્રમાણે છે. જેમા (૧) સરપંચ ગીતાબેન એન. વાઢેર, વોર્ડ-૧ મુકતાબેન એમ. શિંગાળા, વોર્ડ-૨ દક્ષાબેન એસ. બલદાણીયા, વોર્ડ-૩ ફાતુનબેન ડી. બ્‍લોચ, વોર્ડ-૪ જયાબેન એ. ઠુંમર, વોર્ડ-૫ પ્રભાબેન વી. હીરપરા, વોર્ડ-૬ મરીયમબેન આર. મજગુલ, વોર્ડ-૭ જયાબેન સી. ગોહેલ, વોર્ડ-૮ સવિતાબેન આર. ગોંઢાનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રસુલપરા (ગીર)ના ધુરંધર આહિર અગ્રણી સ્‍વર્ગસ્‍થ અરજણભાઈ માંડાભાઈ વાઢેર પરિવારનુ સમગ્ર ગીર પંથકમાં ઉજળુ નામ છે. રસુલપરા(ગીર) ગ્રામ પંચાયતના સરપંચપદે સતત બીજી ટર્મ બીનહરીફ ચુંટાયેલા શ્રીમતિ  ગીતાબેન વાઢેરના પતિદેવ રિટાયર્ડ પ્રિન્‍સિપાલ શ્રી નરેન્‍દ્રભાઈ વાઢેર ખૂબ જ મિલનસાર સ્‍વભાવ ધરાવે છે અને હંમેશા સૌને સાથે લઈને ચાલનારા અને અડધી રાતનો હોંકારો ગણાતા નરેન્‍દ્રભાઈ વાઢેર ગુજરાત માધ્‍યમિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સદસ્‍ય તરીકે યાદગાર સેવાઓ આપી ચૂકયા છે. તેઓ સ્‍વર્ગસ્‍થ પ્રધાન-સાંસદ-ધારાસભ્‍ય જશુભાઈ ધાનાભાઈ બારડનો હંમેશા પડછાયો બનીને સાથે રહ્યા, જેથી સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમા જબરૂ નેટવર્ક ધરાવે છે. લોકો સાથે અને સતત લોકોની વચ્‍ચે આગવુ જીવન જીવતા ‘વાઢેર પરિવાર'ના દરેક સભ્‍યોનો વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન રહ્યુ છે. ભત્રીજા-યશપાલ દેવશીભાઈ વાઢેરે કોરોનાકાળમાં એર ઈન્‍ડિયાના પાયલોટ તરીકે યશસ્‍વી કામગીરી કરી, દેશભરમા વાહવાહી મેળવી હતી.

સોરઠના જવામર્દ પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ જશુભાઈ ધાનાભાઈ બારડ તથા વર્તમાન ધારાસભ્ય ભગાભાઈ બારડના સાળા હોવાના નાતે નરેન્દ્રભાઈ વાઢેર હંમેશા ‘સેતુરૂપ’ ભૂમિકા અદા કરતા રહ્ના છે. તેમની ભત્રીજી કુ. હિરવા ભીમભાઈ વાઢેરેક ક્રિકેટ ક્ષેત્રે તરખાટ મચાવ્યો છે.વુમન ૧૯ વન ડે મેચમા સટાસટી બોલાવી દેશભરનુ ધ્યાન કર્યુ છે. ગીર પંથકના ઘરેણા સમા ‘વાઢેર પરિવાર’ની અનોખી સુવાસ છે અને જાહેર જીવનમા જબરૂ યોગદાન છે.‘વાઢેર પરિવાર’ના મોભી સ્વર્ગસ્થ અરજણભાઈ માંડાભાઈ વાઢેર ખુદ રસુલપરા(ગીર)ના સરપંચ રહી ચૂકયા અને સમયાંતરે તેમના પુત્રો નગાજણભાઈ વાઢેર તથા ઉદયભાઈ ઉર્ફે કનુભાઈ વાઢેર પણ સરપંચ તરીકે સેવા આપી ચૂકયા છે અને છેલ્લી બે ટર્મથી નરેન્દ્રભાઈ વાઢેરના ધર્મપત્નિ ગીતાબેન સરપંચપદે સેવા આપી રહ્ના છે.આમ જેના લોહીમા કંઈક કરી છૂટવાનો છલોછલ ઉત્સાહ પ્રવર્તે છે તે પરિવાર પ્રત્યે સૌને આદરભાવ છે

(11:32 AM IST)